યુવતીને બચકાં ભરી બોયફ્રેન્ડનું માથું ફોડનાર ધનિક નબીરો ઝડપાયો

GUJARAT

શહેરની જાણીતી મિલના માલિક અને વેસુના ધનાઢય પરિવારના નબીરા કૃણાલ કબૂતરવાલાએ પોતાની ફરિયાદ પિતાને કરવા આવેલી મણીપુરની યુવતીને બચકાં ભરી તેના બોયફ્રેન્ડને ડંડા મારી માથું ફોડી નાંખવાની ચકચારી ઘટનામાં રવિવારે અંતે ઉમરા પોલીસે કૃણાલ કબૂતરવાલાની ધરપકડ કરી હતી. જામીન ઉપર મુક્ત થઇ ગયેલાં કૃણાલ વિરૂદ્ધ એટ્રોસીટીની કલમનો ઉમેરો કરવા યુવતીએ પોલીસ કમિશનર અને ઉમરા પોલીસને રજૂઆત કરી હતી.

અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો ડેનીસ (નામ બદલ્યું છે) ગત 26મી ડિસેમ્બરની રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ ઉપર રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે કૃણાલ કબૂતરવાળાના વેસુ જેનીલ ઇન્ટરપ્રાઇઝ બંગ્લોમાં ગયો હતો. આ યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોઇ યુવતીએ તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. ભૂતકાળમાં આ યુવતી અને આ નબીરા વચ્ચે ફ્રેન્ડશિપ હતી, પરંતુ તે વિદેશ હતો તે દરમિયાન ડેનીસ સાથે સંબંધમાં આવેલી નોર્થ ઇસ્ટની આ યુવતીને કરાતી હેરાનગતિની ફરિયાદ કૃણાલના પિતાને કરવા પહોંચેલા આ યુગલ ઉપર કૃણાલ બેરહેમીપૂર્વક તૂટી પડયો હતો.

યુવાને ડંડો મારી માથું ફોડી નાંખવાની સાથે આ યુવતી સાથે બદસલૂકી કરી માર મારવાની સાથે શરીર ઉપર બચકાં પણ ભરી ક્રૂરતા આચરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ક્રૂરતાનો ભોગ બનેલાં આ યુવક-યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડેનીસની ફરિયાદને આધારે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધ્યાના અઠવાડિયા બાદ ઉમરા પોલીસે કૃણાલની ધરપકડ કરી હતી. કોર્ટમાંથી તેને જામીન પણ મળી જતાં સોમવારે આ યુવતી પોલીસ અધિકારીઓ અને ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને એટ્રોસીટીની કલમનો ઉમેરો કરવા માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.