સુરતના કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર યુવતી પર દુષ્કર્મ કરી હત્યા કરી નાંખવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે યુવતી પર દુષ્કર્મ કરી હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ કરી છે. આ અંગે સુરત પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ગત 29મી જુલાઇએ કોસંબા રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ આવતાં પોલીસકર્મી મશરુભાઈ ત્યાં ગયા હતા.
ત્યાં જઈને તપાસ કરતાં સ્ત્રી લોહીલૂહાણ હાલતમાં હોવાથી તેમને 108 બોલાવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ ખાતે યુવતીની સર્જરી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. તેમજ સારવાર કરનાર ડોક્ટર સાથે વાત કરતાં યુવતીના ગુપ્તભાગે ઇજા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ ઇજાના નિશાન તાજેતરના જ હોવાનું જણાવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજ્યું હતું.
તબીબી તપાસ પછી રિપોર્ટ આવતાં યુવતીને ગુપ્ત ભાગે કોઈ પદાર્થથી ઇજા કરતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતાં સમી ગુલામ કાદર (ઉં.વ.21)એ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.
પોલીસે પીડિતા યુવતીની તપાસ કરતાં કામરેજ તાલુકાની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી છેલ્લા પાંચેક દિવસથી રેલવે સ્ટેશન પર આવતી હતી અને ભીખ માંગતી હતી. જ્યાં આરોપી સાથે તેને સંપર્ક થયો હતો. આરોપી સમીરના મગજમાં વિકૃત્તિ આવતાં તેણે આ કૃત્ય આચર્યું હતું.