યુવકે લોન લીધી,અનેકગણી ભરી પણ લોનઆપનારે બળાત્કારી કહીને મેસેજ વાયરલ કરતા આત્મહત્યા

GUJARAT

સુરત શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન આપતી કંપનીના સાયબર બુલિંગનો શિકાર બનેલા DGVCL કંપનીના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું. સુરતના ઓનલાઇન રિકવરીના નામે એક યુવકને એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો હતો કે આ યુવકે મોતને મીઠુ કર્યું હતું. હાલ તો આ કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે.

સુરતના અમરોલી ગુજરાત હાઇસિંગ બોર્ડના જલારામનગરમાં રહેતા અને ડીજીવીસીએલ લાઇન આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા વિવેક સુરેશભાઇ શર્મા (ઉં.વ 30) દ્વારા મોડી રાત્રે ઝેરી દવા ગટગટાવી લેવામાં આવી હતી.

સવારે ઉલટીઓ થતા પરિવાર દ્વારા તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે યુવકનું મોત નિપજ્યું હતું. જેના પગલે શર્મા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવારનાં એકનાં એક કંધોતરનું મોત થયું હતું.

લોનના નામે લાખો રૂપિયા ચુકવ્યા બાદ પણ ઉઘરાણી માટે સતત ધમકીઓ આવી રહી હતી. વિવેકના મોબાઇલમાંથી કોન્ટેક્ટ નંબર મેળવીને સંબંધિઓને વિવેક બળાત્કારી હોવાના મેસેજ કરવામાં આવતા હતા. સાયબર ફ્રોડનો શિકાર બનેલો વિવેક સતત તાણમાં રહેતો હતો.

આખરે કંટાળીને તેણે મોતને મીઠુ કર્યું હતું. જો કે હાલ તો સમગ્ર કેસમાં અમરોલી પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. લોન આપનારી કંપની દ્વારા વિવેક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ધમકી અને બદનામી થાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.