વિદેશમાં વસવાની ઇચ્છા ધરાવનારા ચેતી જજો! 3600 દુલ્હનોએ લૂટ્યા 150 કરોડ

GUJARAT

આજકાલના યુવાનોને વિદેશમાં જઇને રહેવાનો અને ત્યાં જ નોકરી કરવાનો શોખ હોય છે. એવામાં કેટલીક વખત છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. વિદેશમાં વસવાની ઈચ્છા ધરાવતા 3600 પંજાબી છોકરા નકલી લગ્નની વાતમાં છેતરાઈને અત્યારસુધી 150 કરોડ ગુમાવી ચૂક્યા છે. આવી 3,300થી વધારે ફરિયાદો વિદેશ મંત્રાલયમાં નોંધાઈ છે. એમાં 3,000 ફરિયાદ પંજાબ સાથે જોડાયેલી છે. છેલ્લા 6 મહિનામાં વિભાગ પાસે છેતરપિંડીના 200થી વધારે કેસ નોંધાયા છે.

પંજાબમાં કોન્ટ્રેક્ટ મેરેજ કરીને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા યુવકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. રોજના આશરે 2 છોકરા આ ઈચ્છાને કારણે છેતરાઈ રહ્યા છે. આવા કેસમાં છોકરાવાળાઓ છોકરી અને તેનાં માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે. જોકે એમાંથી બહુ ઓછા કેસનો ઉકેલ આવી શકે છે.

આ યુવકોના ઘરવાળાઓ તેમના દીકરાને વિદેશમાં સેટલ કરવા IELTS પાસ યુવતીઓ સાથે લગ્ન કરાવે છે. વિઝા, ઈન્સ્ટિટ્યૂટ ફી અને સિક્યોરિટીના પૈસા થઈને કુલ રૂ. 40 લાખ ખર્ચ કરે છે, પરંતુ વિદેશ જઈને યુવતીઓ ફરી જાય છે અને છોકરાઓને ત્યાં બોલાવાનો ઈનકાર કરી દે છે. વિદેશ જઈને છોકરીઓ તેમનાં નામ-સરનામા પણ બદલી દે છે. વધુ એક વાત ચોંકાવનારી એ છે કે વિદેશ જવાની લાલચમાં સામાન્ય યુવકો જ નહીં, પરંતું પોલીસ, એન્જિનિયર્સ અને સરકારી અધિકારીઓના છોકરાઓ પણ સામેલ હોય છે.

ગામમાં એજન્ટ ઓછા ભણેલા-ગણેલા પરિવારોને જણાવે છે કે તે એવી છોકરીને જાણે છે જેણે IELTS પાસ કરી છે, પરંતુ તેનો ભણવાનો, વિઝાનો અને અન્ય ખર્ચ આપવો પડશે.3 મહિનામાં લુધિયાણામાં 30, જલંધરમાં 70 આવા કોન્ટ્રેક્ટ મેરેજ પછી છેતરપિંડી કરવામાં આવી હોય તેવા કેસ નોંધાયા છે. પંજાબમાં 6 મહિનામાં આવા 300 કેસ નોંધાયા છે.

આ રીતે વિદેશ જવાનું સરળ લાગે છે

સ્પાઉસ વિઝા: છોકરીઓના ભરોસે સ્પાઉસ વિઝા પર વિદેશ જઈ શકાય છે. છોકરીઓના IELTSમાં 7 બેન્ડ હોય છે. એના દ્વારા છોકરાને વિદેશ મોકલવાનું સરળ હોય છે.

ગ્રીન કાર્ડ: ન્યૂઝીલેન્ડમાં મોટી માત્રામાં પંજાબી છોકરીઓ સ્ટુડન્ટ છે. તેમની પાસે ગ્રીન કાર્ડ છે. તેમની સાથે લગ્ન કરવા માટે છોકરાઓની લાઈન લાગે છે. પંજાબમાં અમુક એજન્ટ્સ આવી ડીલ કરાવે છે.

લૂંટેરી દુલ્હનોની 5 કહાની

1. જલંધરના SI રઘુવીર સિંહના દીકરા ગુરવિંદર સિંહના લગ્ન પરનીત સાથે થયા છે. છોકરીને વિદેશ જવા માટે SI પરિવારે સમગ્ર ખર્ચ ઉપાડ્યો. 23 લાખ ખર્ચ કરીને વહુને વિદેશ મોકલ્યા પછી તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું અને ત્યાર પછી ડિવોર્સ માગવા લાગી.
2. સંગરુર જિલ્લાના ગામ ફલેડાના ગુરજીવન સિંહના લગ્ન 22 ડિસેમ્બર 2019માં ઠિંડા ગામના નાથપુરામાં રહેતી પ્રભજોત કૌર સાથે થયા હતા. તેને કેનેડા મોકલવા માટે ગુરજીવને 30.41 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ કેનેડા જઈને પ્રભજોતે ગુરજીવનને બોલાવવાનો ઈનકાર કરી દીધો હતો.
3. ફતેહગઢ સાહિબ જિલ્લાના ગોવિંદગઢ મનજિત સિંહના દીકરાના લગ્ન ખમાણોમાં રહેતી કિરણ સાથે કરવામાં આવ્યા છે. તેને કેનેડા મોકલવા માટે મનજિતે 13 લાખ ખર્ચ કર્યા અને કેનેડા પહોંચ્યા પછી તેણે કહ્યું, આ લગ્ન એક ડ્રામા છે.
4. મોગાના ભૂપિંદર સિંહના લગ્ન પવનદીપ કૌર સાથે થયા છે. 30 લાખ રૂપિયા ખર્ચ કરીને તેને કેનેડા મોકલવામાં આવી. તેણે ભૂપિંદરને ત્યાં બોલાવાનો ઈનકાર કરતાં તે માનસિક બીમાર થઈ ગયો હતો અને તેની સારવાર માટે રૂ. 40 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.
5. 25 લાખ ખર્ચ કર્યા, કેનેડા પહોંચ્યા પછી 10 લાખ વધુ માગ્યા

જલંધરના ગોરાયામાં રહેતા મનદીપ સિંહ કેનેડા સેટલ થવા માગતા હતા. ગામ ઢડ્ડાના તીર્થ સિંહની આઈલેટ્સ પાસ દીકરી પ્રદીપ કૌરથી 9 સપ્ટેમ્બર 2019ના કોન્ટ્રેક્ટ મેરેજ થયા હતા. 25 લાખ ખર્ચ થયો, પછી પ્રદીપ કૌર કેનેડા જતી રહી અને ત્યાં જઈને વધુ 10 લાખ રૂપિયા માગ્યા હતા.

પંજાબમાં રોજ કોન્ટ્રેક્ટ મેરેજમાં છેતરપિંડીની ફરિયાદો સામે આવી રહી છે. આ સંજોગોમાં પોલીસ છેતરપિંડીનો કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે આરોપી વિદેશ જઈને સેટલ થઈ જાય છે. આવા આરોપીઓને ડિપોર્ટ કરવાનો નિયમ બનાવવો જોઈએ, જેથી કડક કાર્યવાહી થઈ શકે.

Leave a Reply

Your email address will not be published.