સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ કહેવત અમદાવાદમાં રહેતી વાયરમેનની દીકરીએ પુરવાર કરી બતાવી છે. વાયરમેન પિતાની આ દીકરીએ ભણવાની ધગશ ક્યારેય છોડી નથી. અને આજે ધોરણ 10 બાદ ધોરણ 12માં પણ તેને એ વન ગ્રેડ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. અને તે પણ ટ્યુશન વગર. આ માટેનો તમામ શ્રેય તે પિતાને આપી છે. તો દીકરીના ઉજ્જવળ પરિણામથી પિતા પણ ગદગદીત થઈ ઉઠ્યા છે.
અમદાવાદમાં રહેતી પૂજા દવેના પિતા એક વાયરમેન તરીકે નોકરી કરે છે. પણ પિતાની ઈચ્છા હતી કે તેમની દીકરીઓ ભણી ગણીને ખુબ આગળ વધે. અને પિતાના પ્રોત્સાહનને કારણે દીકરીઓ ક્યારેય પણ ભણવામાં પાછી પડતી ન હતી. અને તેનું પરિણામ એ આવ્યું કે, પૂજાએ ધોરણ 10માં તો A1 ગ્રેડ મેળવ્યો હતો. પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવીને પિતા સહિત પરિવારનું નામ રોશન કર્યું છે. અને પૂજાને કોઈપણ ટ્યૂશન ન હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફક્ત 691 વિદ્યાર્થીઓને જ એ વન ગ્રેડ મળ્યો છે. અને તેમાંથી પૂજા એક છે. પણ એ વન ગ્રેડ મેળવવા માટે પૂજાએ અનેક ભોગ પણ આપ્યા છે. તે 3 વર્ષ સુધી એક પણ સામાજિક પ્રસંગમાં ગઈ નથી. અને અભ્યાસને સૌથી વધારે પ્રાથમિકતા આપી હતી. અને ટ્યુશન વગર જ તેણે એ વન ગ્રેડ મેળવ્યો હતો. એક બાજુ અનેક પિતાઓ પૈસા ન હોવા છતાં પણ પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ટ્યૂશનમાં મોકલે છે. તેવામાં પૂજાની આ સફળતા એવા અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસમાન છે. કે તમે ઘરે બેઠાં પણ એક લક્ષ્યને પકડીને ચાલશો તો જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકો છો.