વરાછામાં પાગલ પ્રેમીનો યુવતીના ઘરે જઈને હોબાળો, થઈ ધરપકડ

nation

સુરત શહેરના વરાછામાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની યુવતીને તેનો પૂર્વ પ્રેમી પીછો કરી રંજાડતો હતો. પાગલ પ્રેમીએ યુવતીના ઘરે જઇ લગ્ન કરવા દબાણ કરવા સાથે ભારે હંગામો મચાવી યુવતીના પિતા અને ભાઇના માર પણ માર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વરાછામાં ત્રિકમનગર ખાતે રહેતી 20 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) મૂળ યુપીની વતની છે. પ્રિયા માતાવાડી ખાતે આવેલા હીરાના કારખાનામાં જોબ કરે છે. પ્રિયા પહેલા પરિવાર સાથે વરાછામાં અન્ય સોસાયટીમાં રહેતી હતી તે સમયે તેની માતા ઘરે સાડીમાં સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી. દિનેશ ચૌધરી નામનો યુવક તેમના ઘરે સાડી આપવા આવતો હતો. આ દરમિયાન પ્રિયાનો દિનેશ સાથે પરિચય થયો હતો અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો.

પ્રિયાના દિનેશ સાથેના અફેર અંગે પિતાને ખબર પડતા તેમણે પ્રિયાને દિનેશ સાથે સંબંધ તોડી નાંખવા સમજાવી હતી. જેથી પ્રિયાએ દિનેશ સાથેના સંબધો તોડી નાંખ્યા હતા. દરમિયાન થોડા દિવસ પહેલાં દિનેશ ચૌધરી પ્રિયાને મળી લગ્ન કરવાની વાત કરી હતી. જો કે પ્રિયાએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ દિનેશ ચૌધરી પ્રિયાનો પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો.

છેડતી ગુનો નોંધી પૂર્વ પ્રેમી દિનેશ ચૌધરીની અટક
ગત તા. 20મીએ બપોરે પ્રિયાના પિતાએ દિનેશને ઠપકો પણ આપ્યો હતો. જેથી ઉશ્કેરાઇને દિનેશે પ્રિયાના પિતા અને ભાઇ સાથે મારામારી-ગાળાગાળી કરી હતી. ત્યારબાદ રાત્રિના સુમારે દિનેશે પ્રિયાના ઘરે જઇ હંગામો મચાવ્યો હતો. પ્રિયાને “તું મારી સાથે લગ્ન નહિ કરે તો તને અને તારા પરિવારને જીવતા રહેવા નહિ દઉં” એવી ધમકી પણ આપી હતી. પ્રિયાએ ફરિયાદ આપતા વરાછા પોલીસે દિનેશ જયકિશોર ચૌધરી (રહે. વરુણ કોમ્પ્લેક્સ, માતાવાડી, વરાછા) સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.