દેશની સરહદ પર ભારતની રક્ષા માટે તૈનાત ભારતીય જવાનોને રક્ષાબંધનના પર્વ પર બહેનો તરફથી રાખડી મોકલવામાં આવતી હોય છે. વડોદરાની બહેનો દ્વારા આવા તમામ ભારતીય જવાનો માટે 25,000થી વધુ રાખડીઓ મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી છે
વડોદરા શહેરમાંથી પણ ભરતીય જવાનો માટે રક્ષાબંધન પર રાખડીઓ મોકલવામાં આવતી હોય છે. છેલ્લા 7 વર્ષથી ખૂબ જ સારા આશીર્વાદ સાથે બહેનો દ્વારા રાખડીઓ ભારતીય જવાનોને મોકલવામાં આવે છે. આ વર્ષે 25,000થી પણ વધુ રાખડીઓ મળેલ છે. સમાજ તરફથી ખૂબ સારો સાથ-સહકાર મળ્યો છે.
આ તમામ રાખડીઓ પોસ્ટ દ્વારા મોકલાવવામાં આવે છે, કારણ કે રૂબરૂ જઈ શકાય તેમ નથી. આ રાખડીઓ રક્ષાબંધનના 4 દિવસ પહેલા પહોંચી જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તમામ રાખડીઓને કારગીલ, સિયાચીન અને ગલવાન વેલી સુધી પહોંચાડવામાં આવશે.
સિયાચીનના શિખર પર 10 થી 15 સૈનિકો હોય છે, ત્યાં પણ આ રાખડી પહોંચાડવામાં આવે છે. જે સૈનિકોને ઘરેથી રાખડીઓ નથી મળી શકતી, ત્યાં આ તમામ રાખડીઓ પહોંચી જાય છે. જયારે જવાનોને રાખડીઓ મળી જાય છે, એવા તરત જ ઘણા બધા જવાનો ફોન કરતા હોય છે.
જવાનો પણ ખુબ ભાવુક બની જતા હોય છે અને તેમની સાથે જે બહેનોએ રાખડી મોકલાવી હોય છે તે પણ ખૂબ ભાવુક થઈ જતી હોય છે. આ પ્રવૃત્તિ 2015થી શરૂ થઈ, ત્યારે પહેલી વખત 75 રાખડીઓ મોકલવામાં આવી હતી.
આ રાખડીઓ ભારતમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ, ઓરિસ્સા, તામિલનાડુ અને બીજા ઘણા રાજ્યોમાંથી આવેલ છે. આ ઉપરાંત યુ.એસ.એ., યુ.કે., સ્કોટલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, દુબઈ, રશિયા જેવા અન્ય અનેક દેશોમાંથી પણ રાખડીઓ આવેલ છે. 25000 રાખડીઓમાંથી 12000 જેટલી રાખડીઓ હેન્ડ મેડ છે. જે પૈકી 1,111 રાખડીઓ અદિતીબેન દ્વારા આપવામાં આવેલ છે. આ રાખડીઓની સાથે-સાથે ખૂબ સારા સંદેશ પાઠવતા કાર્ડ્સ પણ બનવવામાં આવેલ છે.