ડોકટરોની હડતાલરૂપી બાળહઠ અને સરકારના જડ વલણની વચ્ચે નિર્દોષ નાગરિકો સારવારના અભાવે પીસાઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં એક દાદીએ પોતાના અંતિમ દિવસોનો સહારો અને બહેને રક્ષાબંધન પહેલા જ પોતાનો ભાઈ ગુમાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવાયાર્ડ લોકોશેડ પાસેની વસાહતમાં રહેતો રાહુલ જાધવ શનિવારે સાંજે ફતેગંજ નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા રાહદારીઓએ ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે અહીં ડૉક્ટરોની હડતાલના પગલે સારવાર શક્ય ના હોવાથી રાહુલને અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જો કે અમદાવાદ સિવિલમાં પણ તબીબોને ગેરહાજરીના પરિણામે રાહુલને 8 કલાક સુધી યોગ્ય સારવાર મળી શકી નહતી. આખરે કંટાળીને રાહુલનો પરિવાર તેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ લઈને આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડુ થઈ ચૂક્યું હતું.
રક્ષાબંધન પહેલા બહેને ભાઈ ગુમાવ્યો
મૃતક રાહુલ જાધવે નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. રાહુલના પરિવારમાં ફક્ત દાદી વિમળાબેન અને 13 વર્ષીય બહેન દીપ્તિ જાદવ છે. 10મું ધોરણ પાસ કર્યા બાદ પૈસા ના અભાવે રાહુલે આગળ ભણવાનું છોડી દાદી અને બહેનના પાલન માટે ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી હતી. બીજી તરફ દાદી પણ આસપાસના ઘરોમાં કામ કરી રાહુલ પર બોજો ન આવે તેવા પ્રયાસ કરતી હતી, તો બહેન પણ ભાઈને તકલીફ ના પડે તે માટે પોતાના અભ્યાસ સાથે નજીકના ક્લિનિકમાં નર્સ તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી.જો કે હવે રાહુલનું અકાળે અવસાન થતાં પહેલાથી માતા-પિતા ગુમાવી ચૂકેલી દિપ્તીએ રક્ષાબંધન અગાઉ પોતાનો ભાઈ ગુમાવ્યો છે.
ગરીબ પરિવારની દરિયાદિલી
ભાઈ અને પૌત્ર ગુમાવનાર આ ગરીબ પરિવારની દરિયાદિલી જોઈએ તો, તેઓએ કોઈનો વાંક કાઢ્યા વિના ડોકટરો અને સરકારને અપીલ કરી છે કે, તેઓ બસ એટલું કરી આપે કે અમારી જેમ કોઈ ગરીબ પરિવાર પોતાનો ભાઈ કે કોઈ દાદી પોતાનો અંતિમ દિવસોનો સહારો ના ગુમાવે.
ઉલ્લેખનીય છે કે, પરિવાર નોંધારો થતા ભણવામાં હોશિયાર દીકરીના પાલન માટે સરકાર પાસે સહાયની આશા રાખી રહી છે. જો કે એ વાત નક્કી છે કે, ડૉકટરોની જીદ અને સરકારના જક્કી વલણના કારણે પરિવારને પડેલી ખોટ કોઈ પૂરી નહીં કરી શકે.