યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા ડીંગુચાના મૃતકોની અંતિમક્રિયા કેનેડામાં કરાશે

Uncategorized

કેનેડાથી અમેરિકા બોર્ડર ઓળંગવા જતા ઠંડીના કારણે મોતને ભેટેલા પટેલ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહોને ભારતમાં નહિ લાવવામાં આવે. ચારેયની અંતિમક્રિયા કેનેડામાં જ કરવામાં આવશે. મૃતકના સગા સબંધીઓની હાજરીમાં હિન્દુ રિતી અને રિવાજ મુજબ ચારેય મૃતકોની અંતિમક્રિયા કેનેડામાં કરવામાં આવનાર હોવાનું પરિવારના સુત્રોએ આજરોજ વિગતમાં જણાવ્યું હતું. ડિંગુચા ગામના એકજ પરિવારના ચાર લોકોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત નીપજતા ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. સમગ્ર ગામ શોકમાં ડુબી ગયું છે. વધુમાં મૃતકોના માનમાં આવતીકાલે શનિવારે સમસ્ત ગ્રામજનો સ્વયંભૂ બંધ પાળશે તેમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. તેમજ મૃતકોના અગ્નિસંસ્કાર થઈ ગયા બાદ સમસ્ત ગ્રામજનો ધ્વારા મૃતકોને શ્રાધ્ધાંજલી આપવામાં આવશે.

અમેરિકા કેનેડા બોર્ડર પર ગત તા. 19ના રોજ 4 મૃતદેહો મળી આવ્યા હતા. આ લોકો કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના હતા. પણ માઈનસ 35 ડીગ્રીની કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી તેમના મોત નીપજ્યા હતા. આ ચારેય એકજ પરિવારના હતા. કલોલના ડિંગુચા ગામના વતની હોવાની ઓળખ કેનેડાની પોલીસે કરી છે અને તેની માહિતી ભારતના હાઈકમિશનને આપી હતી. ચારેયની ઓળખ થતા મૃતકના વતન ડિંગુચામાં ઘેરા શોક સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે. ગામમાં હાલના તબક્કે પણ કોઈ ખુલીને બોલવા માટે તૈયાર નથી.

ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મોતને ભેટનાર આ ચારેય કલોલના ડિંગુચાના વતની જગદીશ બળદેવભાઈ પટેલ (ઉ.વ. 39) તથા વૈશાલીબેન જગદીશકુમાર પટેલ (ઉ.વ. 37) તથા વિહંગી જગદીશકુમાર પટેલ (ઉ.વ. 11) અને 3 વર્ષનો ધાર્મિક જગદીશકુમાર પટેલ હોવાની સત્તાવાર વિગતો જાહેર થઈ છે. અમેરિકા- કેનેડાની બોર્ડર પર ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચાના ચાર લોકોના મોત નીપજ્યા હોવાની ચર્ચાથી સરકારની એજન્સીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ચારેયની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમની જરૂરી વિગતો એકત્ર કરવામાં આવી રહી હતી. આ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના હોવાથી કોઈ એજન્ટોએ તેમને મોકલ્યા હોવાની લીંકથી પોલીસે કેટલાક એજન્ટોની પણ કચેરીએ લાવી પૂછતાછ હાથ ધરી હતી. મૃતક પરિવારની ઓળખ કરવા માટે કેનેડાની પોલીસે તપાસ ચલાવી હતી. અને ગતરોજ કેનેડાની પોલીસે ભારતના હાઈ કમિશનને ચારેયની ઓળખ કરી તેમના નામની પુષ્ટિકરી હતી. અને તે ડિંગુચાના ગુમ પરિવારના સભ્યો હતા તેવી ઓળખ થવા પામી હતી. મૃતક પરિવાર ડિંગુચાનો હોવાની તેમના પરિવારજનોને જાણ થતા તેમના પર દુઃખનો પહાડ તુટી પડયો હતો. અને ગામમાં પણ ઘેરા શોકની લાગણી ફરી વળી હતી આ કરૂણ ઘટનાને પગલે તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. મૃતકના સ્નેહીજનો તેમના વતન ડિંગુચા ગામે દોડી આવ્યા હતા. આજે જ્યારે ભારતીય હાઈકમિશને સત્તાવાર પુષ્ટિ કરી છે ત્યારથી ડિંગુચા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. એક પરિવાર કેટલાય અરમાનો સાથે લઈને વિદેશની ધરતી પર પહોંચ્યો હતો. પરંતુ અંતિમ સમયે સ્વદેશની ધરતી પણ નસીબ નહી થતાં પરિવાર કંપી ઉઠયો છે.

એક મૃતદેહ લાવવાનો ખર્ચ રૂ. 40 લાખ

એક તબક્કે એવી પણ વાત જાણવા મળી હતી કે, મૃતદેહો ડિકમ્પોઝ થઈ ગયા છે. વધુમાં એક મૃતદેહને ભારત દેશ પરત લાવવા માટે અંદાજિત 40 લાખનો ખર્ચ થાય તેમ હતો. તે મુજબ બે બાળકો અને તેમના માતા-પિતાના ચારેયના મૃતદેહનો ખર્ચ 40 લાખ લેખે એક કરોડ 60 લાખ જેટલો થાય. સંભળાઈ રહેલી ચર્ચા મુજબ, આ હતભાગી પરિવાર જો જીવતા અમેરિકા પહોંચી ગયા હોત તો એજન્ટને 1.65 કરોડની રકમ આપવાની ડીલ નક્કી થઈ હતી. એકસમયે ડિંગુચાના ગ્રામજનો અને પરિવારજનો આ માહિતી ખોટી ઠરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ડિંગુચાના સરપંચ ખુદ કહી રહ્યા હતા કે, આ વાત ખોટી ઠરે. જોકે એ સમયે કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ રહી નહતી. એમ્બેસી સાથે પરિવાર સંપર્ક કરી રહ્યો હતો, પરંતુ એ સમયે ઠોસ કોઈ વિગતો નહતી. આથી કોઈનું પણ મન કે હ્યદય આ આ કરૂણાંતિકાને સ્વીકારી શકે તેમ નહતુ. પરંતુ હવે જ્યારે હાઈકમિશને સત્તાવાર પુષ્ટિ કરી દીધી તે પછી પરિવારની તેમાંપણ ખાસ કરીને મૃતક જગદીશભાઈના પિતા બળદેવભાઈ સહિતના સ્વજનોની હાલત અતિ કફોડી બની છે. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.

ગામના મોટા ભાગના લોકો પરદેશમાં રહે છે.

ડિંગુચામાં રહેતા પાટીદાર પરિવારોમાં થી મોટા ભાગના ઘરોમાંથી લોકો પરદેશમાં વસવાટ કરે છે અહીના લોકો ઘણાં વર્ષોથી પરદેશમાં સ્થાઈ થયેલા છે. અને આ પરિવાર પણ વિદેશમાં સ્થાઈ થવા અમેરિકા જઈ રહ્યો હતો. પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું.

મૃતકોના ઘરે સ્નેહીજનો દોડી આવતા હ્યદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

મરણ જનાર ચારેય સભ્યોની ઓળખ થઈ જતા તેઓ ડિંગુચાના હોવાની પુષ્ઠી થઈ હતી. જેના પગલે તેમના વતન ડિંગુચામાં આવેલ ઘરે સગા સબંધીઓ પહોચ્યા હતા. તેમજ મૃતકના માતા-પિતા પણ વતન ડિંગુચામાં પરત ફર્યા હતા. જ્યાં રોકક્કળ થતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પટેલ પરિવારનો માળો વિખરાઈ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને મૃતકોના ઘરે તેમના સ્નેહજનો ભેગા થતા હ્યદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

ગામમાં મોટા ભાગના મકાનોને તાળા

ડિંગુચા ગામમાં 3500ની વસ્તી છે અને 1300 જેટલા મકાનો આવેલા છે. જેમાંથી 600 જેટલા મકાનો પાટીદાર પરિવારોના છે. અને આ મકાનોમાંથી કેટલાય મકાનોના તાળા વર્ષોથી ખુલ્યા નથી તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. લોકો વર્ષોથી શહેરોમાં તથા વિદેશોમાં સ્થાયી થયેલા છે. જેના કારણે આવા મકાનો વર્ષોથી બંધ હાલતમાં છે

Leave a Reply

Your email address will not be published.