યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સોનુ સૂદે કરી મદદ, લોકોએ કરી સલામ

nation

આ દિવસોમાં રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં યૂક્રેનમાં રહેતા લોકો માટે દરેક લોકો ચિંતિત દેખાઈ રહ્યા છે. આ દરમિયાન યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને દેશમાં ચિંતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં સરકાર ભારતીયોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન હવે અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ માટે આગળ આવ્યો છે.

અભિનેતાએ તાજેતરમાં યૂક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. યૂક્રેનથી પરત ફરેલા કેટલાક વિદ્યાર્થીઓએ વર્ણવ્યું કે કેવી રીતે સોનુ અને તેની ટીમે યુદ્ધની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સતત મદદ કરી. હાલમાં જ સોનુ સૂદે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે.

આ શેર કરેલા વીડિયોમાં યૂક્રેનમાં સુરક્ષિત રીતે પરત ફરેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે કેવી રીતે સોનુ સૂદ અને તેમની ટીમે મુશ્કેલ સમયમાં ત્યાં હાજર વિદ્યાર્થીઓની મદદ કરી. વીડિયોમાં લક્ષ્મણ નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે મુશ્કેલીઓ વચ્ચે તે સોનુ સૂદની ટીમ સાથે સંપર્કમાં આવ્યો. આ દરમિયાન તેમની ટીમે માર્ગદર્શન આપ્યું અને કહ્યું કે કઈ સરહદ સૌથી સુરક્ષિત છે, જ્યારે એમ્બેસીએ તેના વિશે કંઈ જણાવ્યું નહોતુ. અભિનેતાની ટીમે બતાવેલા રસ્તા પરથી વિદ્યાર્થી સુરક્ષિત રીતે દેશ પરત ફર્યો હતો.

તો બીજી તરફ, સોનુ સૂદ દ્વારા શેર કરવામાં આવેલા અન્ય એક વિડિયોમાં, એક વિદ્યાર્થીએ કહ્યું કે સોનુ સૂદની ટીમે તેને રાતોની રાતો જાગીને દરેક ક્ષણની માહિતી આપી. વિદ્યાર્થી વધુમાં કહે છે કે, આવી ટીમ બનાવવા માટે સોનુ સરનો ખૂબ ખૂબ આભાર. તેમના કારણે અમે હિંમત હાર્યા નહિ અને અમારો ઉત્સાહ જાળવી રાખ્યો. તો બીજી તરફ, આ વીડિયો શેર કરતી વખતે, અભિનેતાએ લખ્યું, આ મારું કામ છે, મને ખુશી છે કે હું તે કરવા સક્ષમ હતો. તમામ સમર્થન માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર, જય હિંદ.

આ પહેલા અભિનેતાએ અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે, યૂક્રેનમાં ફસાયેલા આપણા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સમય અને કદાચ મારું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ. સદભાગ્યે અમે ઘણા વિદ્યાર્થીઓને સરહદ પાર કરીને સુરક્ષિત વિસ્તારમાં જવા માટે મદદ કરી શક્યા. ચાલો પ્રયત્ન ચાલુ રાખીએ. તેમને અમારી જરૂર છે. તમારી મદદ માટે આભાર. સોનુ સૂદે આ ટ્વીટમાં રોમાનિયા અને પોલેન્ડના દૂતાવાસોને ટેગ કર્યા છે.

તો બીજી તરફ, હવે સોનુ સૂદના આ કામના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ કામ માટે લોકો ફરી એકવાર મસીહા અભિનેતાની પ્રશંસા કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે સોનુ સૂદ લોકોની મદદ માટે આગળ આવ્યો હોય. આ પહેલા પણ તે કોરોનાના સમયમાં લોકોની મદદ કરતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ તે તેના ફાઉન્ડેશન દ્વારા પણ લોકોની સતત મદદ કરી જ રહ્યો છો.

Leave a Reply

Your email address will not be published.