ટ્યૂશન માટે આવતા છોકરા સાથે ના કરવાનું કરનારી શિક્ષિકાને 10 વર્ષની જેલની સજા

nation

પોતાના ઘરે ટ્યૂશન માટે આવતા 14 વર્ષના છોકરાનું જાતિય શોષણ કરનારી મહિલા શિક્ષિકાને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત, શિક્ષિકાને 10 હજાર રુપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ચંદીગઢ પોલીસ દ્વારા મહિલાની 24 મે 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પીડિતના માતાપિતાએ તેની સામે પોક્સો હેઠળ ફરિયાદ કરી હતી.

આ કેસમાં ફરિયાદી અને ગુનેગારના પરિવારો એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. છોકરો અને તેની બહેન યુવતીના ઘરે સપ્ટેમ્બર 2017થી ટ્યૂશન લેવા માટે જતાં હતાં. ફરિયાદ અનુસાર, થોડા સમય બાદ યુવતીએ છોકરાના માતાપિતાને જણાવ્યું હતું કે તેઓ છોકરીને અલગથી ટ્યૂશન માટે મોકલે, જેથી તે બંનેને સારી રીતે ભણાવી શકે. આરોપીના ઈરાદાથી અજાણ છોકરાના માતાપિતા તેના માટે તૈયાર પણ થઈ ગયા હતા.

બીજી તરફ, છોકરો અને તેની બહેન અલગ-અલગ સમયે ટ્યૂશન જવા લાગતા જ શિક્ષિકાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. તેણે છોકરાનું જાતિય શોષણ કરવાનું શરુ કરી દીધું હતું. માર્ચ 2018ના રોજ છોકરાની માતાએ તેને ટ્યૂશન મોકલવાનું બંધ કરી દીધું હતું. તેના પગલે શિક્ષિકાએ જોરદાર ડ્રામા કર્યો હતો. તેણે છોકરાને પોતાના ઘરમાં જ પૂરી દીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે, તેણે આ કૃત્ય કર્યું ત્યારે તેના ઘરમાં તેના માતાપિતા તેમજ પતિ પણ હાજર હતા.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, શિક્ષિકાએ આઠ મહિના સુધી છોકરાનું જાતિય શોષણ કર્યું હતું. તેણે આ કાંડ કર્યો તે વખતે તેની ઉંમર 34 વર્ષ હતી. આ દરમિયાન છોકરા પર અનેક પ્રકારના દબાણ પણ નાખવામાં આવ્યા હતા. તે સમયે છોકરો નવમા ધોરણમાં ભણતો હતો, અને તે સાયન્સના ટ્યૂશન માટે જતો હતો. ટીચરની કરતૂતથી ફફડી ઉઠેલો છોકરો થોડા સમય બાદ ટ્યૂશન જવાથી અચકાવવા લાગ્યો હતો. બીજી તરફ, તેના માર્ક્સ ઓછા આવતા માતાપિતાએ તેને ટ્યૂશન મોકલવાનું બંધ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *