તથ્ય પટેલ સામે ત્રીજી પોલીસ ફરિયાદ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા નોંધાઇ છે. જેમાં છ મહિના પહેલા પણ તથ્ય પટેલે જેગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી. તેમાં તથ્ય પટેલે નવા વર્ષની થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ગયો હતો ત્યારે અકસ્માત કર્યો હતો.
અકસ્માતની ઘટનાએ ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચાવી દિધો
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામની ભાગોડે સાંણદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળીયા દેવના મંદીરમાં જેગુઆર ગાડી ઘુસાડી હતી. જે અંગે સાંતેજ પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.
ગઇકાલે અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસમાં આરોપી તથ્ય પટેલની કારની સ્પીડને લઈ સૌથી મોટો ખુલાસો થયો હતો. FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો હતો. તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું હતુ.
ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈને ગુરુવારે અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતની ઘટનાએ ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચાવી દિધો હતો.
તથ્યના મિત્રોના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા
ઈસ્કોન બ્રિજ કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. આ મામલે તથ્યના મિત્રોના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસ એ જાણવા માગે છે કે તેઓ ક્યારે એકઠા થયા હતા. FSLમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
સિંધુભવન રોડ પર થાર અથડાવાના કેસમાં ફરિયાદ નોંધાઈ
માલેતુજાર નબીરા તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર એક રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી અને દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં જે તે સમયે સમાધાન થયું હતું. આ થાર ગાડી રેસ્ટોરાંમાં ઘૂસી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આ કેસમાં પોલીસે 20 દિવસ પછી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કાર તથ્ય ચલાવતો હતો કે કોઈ અન્ય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.