ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન લગભગ પાંચ મહિના પછી તેની પત્ની રી સોલ જૂ સાથે જોવા મળ્યા છે. બંને એક આર્ટ ગેલેરીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કિમ અને તેની પત્નીએ આ દરમિયાન કલાકારો સાથે મુલાકાત પણ કરી હતી. તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમના પત્ની લુનાર ન્યુ યર હોલિડેની ઉજવણી કરવા બુધવારે દેશની રાજધાનીમાં મનસુદે આર્ટ થિયેટરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
અગાઉ સપ્ટેમ્બર 2021માં બંને કુમસુમ શહેરમાં સાથે જોવા મળ્યા હતા. તેઓ અહીં કિમ જોંગ ઉનના પિતાની વરસીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કિમ અને રી સોલ જૂએ 2009માં લગ્ન કર્યા હતા, જોકે રી સોલને ઉત્તર કોરિયાની પ્રથમ મહિલા તરીકે અધિકૃત માન્યતા 2012માં મળી હતી.
કિમ અને રી સોલને ત્રણ બાળકોના માતાપિતા
દક્ષિણ કોરિયાના અધિકારીઓએ બંનેના જાહેરમાં દેખાયા બાદ કહ્યું કે કિમ જોંગ ઉન અને તેમની પત્ની કોરોના વાયરસને કારણે તેમના ઘરમાં કેદ હતા અને બાળકો સાથે સમય વિતાવી રહ્યા હતા. કિમ જોંગ ઉન અને રી સોલ જૂને ત્રણ બાળકો છે. જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા બાદ ઉત્તર કોરિયાએ સરહદી વિસ્તારોમાં કડકાઈ વધારી દીધી હતી.
રી સોલ જુની હત્યાની અટકળો ચાલી હતી
કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જૂ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ગયા વર્ષે રી સોલ જુની હત્યા અંગે પણ અટકળો ચાલી રહી હતી. જો કે, રી સોલ જુએ રાજકીય મીડિયાના એક કાર્યક્રમમાં હાજરી આપીને અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. કિમ જોંગ ઉનની પત્ની ખૂબ જ લો પ્રોફાઇલ રહે છે અને મોટાભાગે મીડિયાથી દૂરી બનાવીને રાખે છે.
કોણ છે તાનાશાહની પત્ની રી સોલ જુ
રી સોલ જુનો જન્મ 28 સપ્ટેમ્બર 1989ના રોજ થયો હતો. એવું કહેવાય છે કે રી સોલ 2005માં એશિયન એથ્લેટ ચેમ્પિયનશિપ દરમિયાન દેશની રાજધાની પ્યોંગયાંગ આવ્યા હતા, જ્યાં કિમ જોંગ ઉન સાથે પ્રથમ વખત સંપર્કમાં આવ્યા હતા. કિમ સાથેના લગ્ન પહેલા રી સોલ જુ ઓર્કેસ્ટ્રામાં ગાયક તરીકે પણ કામ કરી ચુકી છે.