તમે નિઃસહાય યુવતીનો વધ કર્યો છે, સત્તાની રૂએ મળેલી કલમથી તમારો વધ કેમ ન કરવો..? : કોર્ટ

GUJARAT

સુરતના પાસોદરામાં ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ સ્પીડી ટ્રાયલના અંતે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો છે. જજે ફેનિલને પૂછયું કે તમે એક નિઃસહાય યુવતીનો વધ કર્યો છે. મને મળેલી સત્તાની રૂએ મારી કલમ દ્વારા તમારો વધ કેમ ન કરવામાં આવે? તે બાબતે તમારે શંુ કહેવંુ છે? ચૂપચાપ કઠેરામાં ઊભેલો ફેનિલ મૌન રહ્યો હતો. આવતીકાલે સરકાર અને બચાવ પક્ષ વચ્ચે સજાના મુદ્દે કોર્ટમાં દલીલ થશે.

સુરતના કામરેજ તાલુકાના પાસોદરામાં ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ સરજાહેરમાં હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં ફેનિલની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે માત્ર સાત દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. 69 દિવસની સુનાવણીમાં ફરિયાદ પક્ષે કુલ 75 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. અંદાજિત 90 જેટલા પુરાવાઓ રજૂ કરાયા હતા. આ પુરાવામાં મેડિકલ, ફોરેન્સિક, ટેક્નિકલ પુરાવા, સરકારી વકીલની દલીલ અને બચાવપક્ષની કાઉન્ટર દલીલો બાદ ગુરુવારે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. જિલ્લા મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસે આરોપી ફેનિલ ગોયાણીને દોષી ઠેરવ્યો હતો.

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 105 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરતાં કોર્ટે આરોપી ફેનિલને હત્યા, હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે. દોષિત આરોપી ફેનિલને કેટલી સજા કરવી તે અંગે કોર્ટમાં દલીલ કરાશે. સરકાર પક્ષ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને તેને ફાંસી સજા થાય તેવી માંગણી કરશે.

કોર્ટે બચાવપક્ષની લેખિત દલીલોને પણ નકારી છે. બચાવ પક્ષના ટયૂટર સાક્ષીની દલીલને નકારી કાઢી છે. બે વીડિયો ક્લીપને કોર્ટે ધ્યાનમાં રાખીને ભોગ બનનાર મરી ન જાય ત્યાં સુધી કોઇને ત્યાં ન આવવા દેવા અને લોહીના ફુવારા છૂટવા છતાં આરોપી ખિસ્સામાંથી કંઈ કાઢીને ખાય છે. તેને કોઇની પ્રત્યે સહાનુભૂતિ હોવાનું જણાતું નથી, તેવું પણ નોંધ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.