જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય વરસ દરમિયાન મેષથી મીન સુધીની બાર રાશિઓમાં ભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સૂર્ય સક્રાંતિ કહેવાય છે અને સૂર્ય લગભગ 30 દિવસ જે તે રાશિમાં રહે છે તેને સૌર માસ કહે છે. વરસમાં સૂર્યના રાશિ પરિવર્તનથી બાર સક્રાંતિ આવે છે તેમાં મેષ સક્રાંતિ, કર્ક સક્રાંતિ, તુલા સક્રાંતિ અને મકર સક્રાંતિ મુખ્ય છે.
સૂર્યની દૈનિક ગતિ બે રીતે જોવામાં આવે છે. એક સાયનગતિ અને બીજી નિરયન ગતિ. પશ્ચિમ ભારતમાં સૂર્યની સાયન ગતિ જોવાય છે તો આપણા દેશમાં નિરયન ગતિ જોવાય છે. સાયન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 21મી ડિસેમ્બરે થશે. ખગોળશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો સૂર્યની સાયન ગતિને જ માને છે.
જ્યારે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યની નિરયન ગતિની ગણના થાય છે. આ વરસે સૂર્ય નિરયન ગતિમાં 14મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. 14મી જાન્યુઆરીએ પરંપરાગત પતંગ સક્રાંતિ અને 15મી જાન્યુઆરીએ દાન, પુણ્ય, ધર્મ માટેની ધર્મ સક્રાંતિ.
સૂર્ય પૂજાનું મહત્ત્વ
દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને આ જ સમયે સૂર્યદેવની પૂજા લાલ ફુલ, કંકુ ચોખા અને શુદ્ધ જળ ચઢાવાની કરવાની હોય છે. તાંબાના કળશમાં જળ ભરી તેમાં કંકુ સહિતની સામગ્રીઓ પધરાવી અને સૂર્ય મંત્ર બોલતાં બોલતાં જળ ચઢાવવું. આ અર્ધ્યદાનથી સૂર્ય નારાયણ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય, ધન, ધાન્ય, સંતાન, તેજ અને સફળતાના આશીર્વાદ આપે છે. આમ તો સૂર્ય પૂજા કરવી સરળ છે પરંતુ તેના માટે સાત નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમોનું પાલન કરીને જો સૂર્ય પૂજા કરશો તો જો તેનું ફળ પ્રાપ્ત થશે અન્યથા સૂર્ય પૂજા વિફળ જશે.
સૂર્ય પૂજા કરતા આટલુ યાદ રાખો
– સૂર્ય પૂજા કરનાર વ્યક્તિએ સૂર્યોદય પહેલાં પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ. સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કર્મથી પણ નિવૃત થઈ જવું.
– સૂર્યોદય થાય એટલે સૂર્યનારાયણને ત્રણવાર અર્ધ્ય આપી પ્રણામ કરવા.
– નિયમિત રીતે સંખ્યા સમયે પણ સૂર્યને અર્ધ્ય આપી પ્રણામ કરવા.
– સૂર્ય મંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક કરવો.
– આદિત્ય હૃદયનો પાઠ નિયમિત રીતે કરવો.
– રવિવારે તેલ અને મીઠાનો પ્રયોગ ભોજનમાં ન કરવો.
– નેત્ર રોગ હોય તો નેત્રોપનિષદ્ રોજ વાંચવું.