સુરતઃ ઓનલાઈન ફ્રેન્ડશીપના ચક્કરમાં ફસાઈ 23 વર્ષની પરિણીતા, વિડીયો કોલ પર કઢાવ્યા કપડા

GUJARAT

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરવી ભારે પડી ગઈ હતી. પતિ અને પુત્ર સાથે રહેતી પરિણીતાને સુરતના ઓલપાડ તાલુકાના એક કારખાનામાં મેનેજર તરીકે કામ કરતાં યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. તેને મળવાના બહાને તેની સાથે ફોટો પાડી લીધા હતા. અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

જો કે, આ સંબંધની જાણ પ્રેમીના પિતરાઈ ભાઈને થતાં તેણે પણ પરિણીતાને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને ફોટો તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, પરિણીતા તાબે ન થતાં આ મામલે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના ઓલપાડ તાલુકાના ગામમાં પતિ અને પુત્ર સાથે રહેતી 23 વર્ષીય પરિણીતા સાથે ઓલપાડમાં રહેતાં રજની બાવચંદભાઈ ધાનાણીએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરી હતી. ફ્રેન્ડશીપ કર્યા બાદ રજનીએ પરિણીતાને એકલામાં મળવા માટે બોલાવી હતી.

જેને કારણે મહિલા સાસરીમાંથી પોતાના પિયર ભરૂચ ગઈ હતી. જ્યાં રજની પણ તેને મળવા માટે ભરૂચ પહોંચી ગયો હતો. ભરૂચમાં રજની પરિણીતાને લઈ કબીરવડ ગયો હતો. જ્યાં તેણે પરિણીતા સાથે ફોટો પાડી લીધા હતા.

રજનીએ બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાને મળવા માટે બોલાવતો હતો. અને મોટા બોરસરા ગામે આવેલી એક હોટેલમાં તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે, રજની જે કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે, તે કારખાનું તેના પિતરાઈ ભાઈ મુકેશ ધનજીભાઈ રાદડિયાનું છે.

મુકેશને રજનીના અફેરની જાણ થતાં તેણે પરિણીતાને વિડીયો કોલ કર્યો હતો. અને રજની સાથે સંબંધ ચાલું રાખવો પડશો તેમ જણાવી ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વિડીયો કોલમાં મુકેશે પરિણીતાને કહ્યું કે, તારા કપડા કાઢ. આમ તેણે પરિણીતા પાસે કપડાં કઢાવ્યા હતા.

જે બાદ અવારનવાર મુકેશ અને રજની પરિણીતાને ધમકી આપતાં કોલ કરતાં હતા. થોડા દિવસો અગાઉ રજનીએ પરિણીતાને ધમકી આપવા વિડીયો કોલ કર્યો ત્યારે પરિણીતાનો પતિ ત્યાં હાજર હોવાથી પરિણીતાએ સમગ્ર બાબતની જાણ પતિને કરી દીધી હતી. જે બાદ પરિણીતા અને પતિ ફરિયાદ નોંધાવવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પણ દુષ્કર્મનો બનાવ મોટા બોરસરા ગામની હોટેલમાં બન્યો હોવાથી કોસંબા પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી હતી અને મુકેશ તેમજ રજની સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *