સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, પરંતુ અતિ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે, 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 324.75 ફૂટે પહોંચી ગઇ છે, જ્યારે હથનુરમાંથી મંગળવારે સાંજે ૫૫૯૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.
ચાલુ સિઝનમાં સુરત જિલ્લામાં વરસાદની પાંખી હાજરી જોવા મળી છે. જૂન-જુલાઇ મહિનો વીતિ ગયો છતાં વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ પડે તેવી સંભાવના નહીંવત છે. હવામાન વિભાગે અતિ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદની ગેરહાજરી વચ્ચે બફારાનું પ્રમાણ વધી રહ્યું છે.
હાલ કોઇ જ સિસ્ટમ એક્ટિવ નહીં હોવાથી વરસાદ પડે તેવી સંભાવના નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે. આ સાથે જ ઉકાઇના ઉપરવાસમાં પણ વરસાદ બંધ થતાં પાણીની આવક ઘટી જવા પામી છે. છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં વરસાદની ગેરહાજરી જોવા મળી રહી છે.