સ્ત્રીઓને અચાનક થતી સમસ્યાઓ પાછળ હોય છે અનેક કારણો જવાબદાર

helth tips

સ્ત્રીઓને અચાનક લાગતાં થાક, અકળામણ, અને કંટાળાની સમસ્યા વધારે સતાવતી હોય છે. અચાનક કોઇ કામને હાથ લગાવવાનું મન ન થાય, પથારીમાંથી ઊભા થવાનું મન ન થાય, ત્યાં સુધી કે ભૂખ લાગી હોય તો પણ ભોજન બનાવવાનો કે ખાવાનો કંટાળો આવે. આ સમસ્યા પાછળ કોઇ એક કારણના બદલે અનેક કારણો જવાબદાર હોય છે. ચાલો, તે કારણો વિશે જાણી લઇએ.

ટેન્શન

ટેન્શનની સમસ્યા સ્ત્રીઓમાં વધારે હોય છે. અલબત્ત, પુરુષોને પણ હોય જ છે, છતાં સ્ત્રીઓને વધારે પડતું વિચારીને ટેન્શન લેવાની સમસ્યા હોય છે. તેના મનમાં કોઇ વાત ઘૂસે એટલે તે કોઇ કારણ વગર ચિંતિત થયા કરે છે. ઘણી વાર ઘરમાં કોઇ સાથે બબાલ થઇ હોય તેનું ટેન્શન હોય, ઘરમાં પ્રસંગ આવી રહ્યો હોય તેનું ટેન્શન હોય, બાળકોની જવાબદારીનું ટેન્શન, આર્થિક ટેન્શન, આવાં અનેક ટેન્શનથી ઘેરાયેલી સ્ત્રીના મગજ ઉપર આ ચિંતાઓ હાવી થઇ જાય ત્યારે પણ તેને થાક, અણગમાનો અનુભવ થતો હોય છે.

પાણીની કમી

આ વસ્તુ ખાસ દરેક સ્ત્રીએ યાદ રાખવા જેવી છે. ત્વચા સુંદર બને તે માટે તો પાણી પીવું જ જોઇએ, સાથે સાથે સારું સ્વાસ્થ્ય રાખવા માટે પણ પાણી પીવું જરૂરી છે, કારણ કે શરીરમાં પાણીની કમી સર્જાય એટલે થાક, ચક્કર, અણગમો, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યા થતી હોય છે. તેથી રોજનું ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું ખૂબ જરૂરી છે.

ખોરાક

ખોરાકના કારણે પણ થાકનો અનુભવ થયા કરે. અહીં તમને સવાલ થશે કે એવું કેમ, વૅલ, ખોરાક જો યોગ્ય ન હોય, શરીર માટે લાભદાયી ન હોય, યોગ્ય સમયે ખોરાક ન લેવાતો હોય, ત્યારે આવું બનતું હોય છે. જેમ કે ઘણાં લોકોને સવારે ઊઠવામાં મોડું થઇ ગયું હોય તો તેઓ ચા પીવાનું ટાળે છે, નાસ્તો નથી કરતાં, કસમયે જેવોતેવો ખોરાક લે છે, જંકફૂડ આરોગે છે, ઘણીવાર વધારે પડતો ખોરાક લે છે ત્યારે આવી સમસ્યા થવાના ચાન્સ વધી જાય છે. તમે જાતે અનુભવ કરજો કે સવારે ઊઠીને સરખો નાસ્તો, ગરમ ચા, દૂધ કે કોફી લેવી, ત્યારબાદ સમયસર સરખું ભોજન લેશો ત્યારે તમેે તન અને મન બંનેથી ખુશ અને ઊર્જાવાન રહેશો.

Leave a Reply

Your email address will not be published.