સૌરાષ્ટ્ર તિર્થધામો સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોળાનાથના દર્શન માટે ભાવિકો ઊમટી પડયા હતા.સોમનાથ મહાદેવને નવધાન્ય શૃંગાર કરવામાં આવ્યા હતા.બંને શિવાલયો હરહર મહાદેવના નાદથી ગૂંજી ઊઠયા હતા.
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે પાસ સિસ્ટમથી અને ઓનલાઇન રજિસ્ટ્ેશન કરીને આવેલા ભાવિકોની સવારે પ-૩૦ કલાકે મંદિર ખૂલતા જ દર્શન માટે કતાર લાગી હતી.
દ્વારકા પાસે નાગેશ્વર મહાદેવ મંદિર સવારે ખૂલતા જ હરહર મહાદેવના નાદથી ગૂંજી ઊઠયું હતું. ભાવિકો દ્વારા મહાદેવને જળ, બીલીપત્ર, દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. દર્શન માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડયા હતા. મહાદેવના દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
અમદાવાદમાં શિવાલયોમાં ભક્તોની પાંખી હાજરી
અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. હાલમાં કેસ ઘટયા છે છતાં લોકોમાં ડર ઘૂસી ગયો છે તે નીકળતો નથી. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોવા છતાં શિવાલયોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. શિવલિંગ પર અભિષેક કરવા માટે ભક્તોએ કતાર લગાવી હતી. જમાલપુર ફુલ માર્કેટમાં પણ ખાસ કંઈ ભીડ જોવા મળી નહોતી. કોરોનાના કારણે ફૂલોના ઢગલા ખડકાતા હોય ત્યાં માંડ માંડ ફૂલો વેચાતા હતા. બીલીપત્ર, ધતૂરો, કરેણના ફુલ સહિતના ફૂલો મહાદેવ પર ચડાવીને ભક્તોએ શિવભક્તિ કરી હતી. મંદિરોમાં ઘંટારવ સાથે મર્યાદિત પ્રમાણમાં હર હર મહાદેવના નાદ ગૂંજ્યા હતા. મોટાભાગના લોકોએ ઘરે જ શિવજી પર જળધારા કરી હતી. આજે આખો દિવસ ઉપવાસ કે એકટાણું કર્યું હતું. ફરાળી ચીજ-વસ્તુની બજારમાં આજે ઘરાકી જોવા મળી હતી.