સોખડા ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરાયા

GUJARAT

આજે સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને અશ્રુભિની આંખોએ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો આજે ગુજરાતના CM વિજય રૂપાણી અને ડે. CM નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નોંધનિય છે કે આજે, પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. પૂ. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહના અગ્નિસંસ્કારની વિધીમાં પૂ.પ્રેમસ્વરુપ સ્વામીજી, પૂ.કૃષ્ણચરણ સ્વામીજી(શાસ્ત્રી સ્વામીજી), પૂ.ત્યાગવલ્લભ સ્વામીજી, પૂ.પ્રબોધજીવન સ્વામીજી(પ્રબોધ સ્વામીજી)તેમજ સંત વલ્લભ સ્વામીજી(સંત સ્વામીજી)જોડાયા હતા.

તો બીજી તરફ યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે છેલ્લા દિવસે પણ દેશ-વિદેશથી હજારો ભક્તોનો અવિરત પ્રવાહ જારી રહ્યો હતો. આજે રવિવારે સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિ પાંચ પંડિતો દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ અંત્યેષ્ટિ વિધિ અંગે વાત કરતા કૌશિકભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે. જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૃઋણમાંથી મુક્તિ અપાવે છે.

સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવી. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કર્યું હતું. તે નદીઓના જળથી સ્વામીજીના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવ્યા. શાસ્ત્રોક્ત મંત્રોના નાદ વચ્ચે વડીલ સંતો દ્વારા અભિષેક સંપન્ન કરવામાં આવ્યો. પંચમહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિરૃપ ષટપિંડ પૂજન કરવામાં આવ્યું. ૉૉ

ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુભગવાનના પ્રતિનિધિરૃપ શાલિગ્રામની પૂજા કરવામાં આવી. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવી. પંડિતો દ્વારા પુરુષસૂક્તના શ્લોકોનો નાદ કરવામાં આવ્યો. જોકે સ્વામીજી જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી. પરંતુ શિષ્ય સમુદાય ગુરૃઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૃરી છે. લાખો ભક્તોના હૃદયમાં સ્થાન મેળવનાર મહાપુરુષોની અંતિમવિધિ સમયે સંકલ્પ-પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૃની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે. અંત્યેષ્ટિ માટે લીમડો, ચંદન, કેર, ઉમરો, પીપળો, સવન કાષ્ટ સહિત તુલસીનો ઉપયોગ કરવામાં આવ્યો. અખંડદીપથી ચિતા પ્રજ્વલિત કરવામાં આવી. પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવીને ચિતા પ્રજ્વલિત કરવામાં આવી.

તો બીજી તરફ સ્વામીજીને ભાવાંજલિ અર્પણ કરતા ગુજરાતના રાજયપાલ શ્રીદેવવ્રત આચાર્યે માનવકલ્યાણ અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરનારા ગણાવ્યા હતા. પ્રેમસ્વરૃપ સ્વામીજીને પાઠવેલા સંદેશમાં રાજયપાલે ઉમેર્યું છે કે, સ્વામીજીએ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતના પ્રજ્વલિત કરી છે. સ્વામીજીની વિદાયથી સર્જાયેલો ખાલીપો કદી નહીં પુરાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *