શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે દિવાળીનું મહાપર્વ?

nation

વર્ષનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. શાસ્ત્રોમાં દિવાળીને તહેવારોનો રાજા ગણવામાં આવે છે, આ તહેવારનું સામાજિક અને ધાર્મિક મહત્ત્વ અપાર છે. સંસ્કૃત શ્લોક તમસો મા જ્યોતિર્ગમય કહેવાયું છે, મતલબ કે અંધારામાંથી અજવાળા તરફ, પ્રકાશ તરફ જવાનું કાર્ય.

દિવાળીના દિવસોમાં ઘરની સાફસફાઈ, નવા કપડાંની ખરીદી, સારું ભોજન આરોગવાની પ્રથા, મીઠાઈ ખાવાની પ્રથા, સગાંસંબંધીઓને મળવાનો રિવાજ આ બધું જ એ વાતનો સંકેત દર્શાવે છે કે આખા વર્ષ દરમિયાન સારા અને માઠા દિવસો પસાર કર્યાં હોય, શારીરિક, માનસિક કે આર્થિક અગવડ ભોગવી હોય તે તમામને ભૂલીને નવેસરથી નવા અને સારા દિવસોમાં પ્રવેશવા જઈ રહ્યાં છીએ, ત્યારે આપણે ખરાબ વાતોને પણ જૂના વર્ષની સાથે પાછળ મૂકીને નવા પ્રયાણ તરફ આગળ વધીએ અને ભગવાન પાસે મનોકામના કરીએ કે આગામી સમયમાં સમસ્યાનો સામનો ન કરવો પડે એટલી કૃપા કરજે.

દિવાળીની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ પણ એ છે, ભગવાન રામ ચૌદ વર્ષ કઠોર વનવાસ, રાવણ સાથેનું યુદ્ધ અને તમામ પ્રકારની પીડા ભોગવીને જ્યારે વનવાસથી પાછા અયોધ્યા આવી રહ્યા હતા ત્યારે તેની ઉજવણી કરવા માટે લોકોએ અયોધ્યા નગરીને દુલ્હનની માફક સજાવી હતી. દશેરાએ રાવણ વધ કર્યાં બાદ દિવાળીના દિવસોમાં ભગવાન રામ અયોધ્યા પહોંચવાના હતા, અયોધ્યાવાસીઓ પોતાના પરમપ્રિય ભગવાન રામને આવકારવા ઉત્સાહિત હતા તેથી તેમણે હરખમાં આખા અયોધ્યા નગરીમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા.

દિવાળી એ હર્ષોલ્લાસનું પર્વ છે. આ પર્વને પંચ પર્વ પણ કહેવાય છે, કારણ કે ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ આમ પાંચ તહેવારનો સમૂહ છે. જોકે દિવાળીની શરૂઆત તો અગિયારસથી જ થઇ જતી હોય છે. અગિયારસને દિવસે દેશભરમાં લોકો શુકન માટે બે દીવા પોતાના ઘરની બહાર મૂકે છે. અગિયારસના દિવસે શરૂ કરેલા દીવા કરવાની પ્રથા છેક દેવદિવાળી સુધી ચાલતી હોય છે.

દિવાળી એટલે કોઇપણ યુગ હોય આસુરી પ્રવૃત્તિ ઉપર સત્યનો વિજય. ભગવાન રામ જ્યારે અયોધ્યા પધાર્યાં ત્યારે અયોધ્યાવાસીઓએ આખી અયોધ્યાને દીપ પ્રગટાવીને તેજોમય બનાવી હતી તેમ દિવાળીના દિવસે દીપ પ્રાગટયનું અત્યંત મહત્ત્વ દર્શાવાયું છે. દિવાળીએ કુબેર પૂજન કરવામાં આવે છે. વેપારીઓ ચોપડા પૂજન કરે છે.

Leave a Reply

Your email address will not be published.