પ્રશ્ન : હું છેલ્લા ત્રણ મહિનાથી ઘરેથી જ કામ કરું છું. મેં જ્યારથી ઘરે રહીને કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મારી ગરદન અને પીઠમાં બહુ દુખાવો રહે છે. આનો શું ઉકેલ છે?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : વર્ક ફ્રોમ હોમ કરનારા મોટાભાગની વ્યક્તિને આજકાલ ગરદન, પીઠ અને ખભામાં દુઃખાવો રહે છે. આંખો ખેંચાય છે કે લાલ થઈ જાય છે. ઊલટાનું કામનું ભારણ વધી ગયું છે. ઘરેથી કામ કરતી મોટાભાગે લોકો પલંગ પર લેપટોપ લઈને બેસે છે, જેના કારણે પીઠને બરાબર સપોર્ટ મળતો નથી. આના કારણે લોઅર બેક પ્રોબ્લેમ થાય છે. આ સિવાય કેટલાક લોકો સોફા કે ડાઈનિંગ ટેબલ પર બેસીને કામ કરે છે. એ વખતે તેઓ ડોક સહેજ લાંબી કરીને સ્ક્રીન સામે જુએ છે જેના લીધે ગરદનની સમસ્યાઓ થાય છે.
લાંબા સમય સુધી ખરાબ પોશ્ચરમાં બેસવાથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થાય છે. બેસવા માટે વ્યવસ્થિત ખુરશી અને ડેસ્ક ઘરે ના હોવાના કારણે લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. વ્યવસ્થિત પોશ્ચર માટે અર્ગનોમિક ખુરશી (ergonomic chair) વસાવો. દર અડધી કલાકે ઊભા થાવ અને થોડી મિનિટો સુધી ચાલો. જો શક્ય હોય તો ખુરશી પર પગ ક્રોસમાં રાખીને બેસો. જો જગ્યાની સમસ્યા હોય અને પલંગ પર બેસીને કામ કરવું પડે તેવું હોય તો એક પર એક ઓશિકાની થપ્પી કરીને લેપટોપ મૂકો. આના કારણે શારીરિક સમસ્યા નહીં થાય.
પ્રશ્ન : મારી મોટી બહેનને ડોક્ટરે ગર્ભાશય કઢાવી નાખવાની સલાહ આપી છે, પણ શું ગર્ભાશય કઢાવી નાખ્યા પછી જાતીય સંબંધો બાંધવામાં તકલીફ પડે?
એક યુવતી (સુરત)
ઉત્તર : ડોક્ટરે તમારી બહેનન ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી છે તો એ પાછળ પણ કોઇ કારણ હશે. જોકે એ વાત સાચી છે કે ગર્ભાશય કઢાવી નાખ્યા પછી જાતીય સંબંધ બાંધવામાં તકલીફ પડે છે. હકીકતમાં ગર્ભાશયની સાથે ઓવરી (અંડાશય) પણ દુર કરવામાં આવે છે એટલે જાતીય સંબંધ બાંધતી વખતે શુષ્કતાને કારણે તકલીફ પડે છે અને સ્ત્રીને દુ:ખાવો થાય છે જેના કારણે ચરમસીમા અનુભવાતી નથી. શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે બીજા વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ.