શિક્ષિકાનો મોબાઈલ હેક, ઓનલાઈન ક્લાસમાં અચાનક શરૂ થયો પોર્ન વીડિયો

GUJARAT

અંજારમાં આવેલ એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષિકાએ ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરતાંની સાથે જ તેમના મોબાઈલ ફોન પર પોર્ન વીડિયો શરૂ થઈ ગયો હતો. વીડિયોમાં ચાલતી અશ્લીલ હરકતો જોઈને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષિકા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને તાબડતોડ વીડિયો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મોબાઈલ હેક થઈ ગયો હોવાની આશંકાને આધારે સાયબર ક્રાઈમ પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

કોરોના મહામારીના કારણે રાજ્યમાં સરકારી, ખાનગી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ છે. જેથી વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર માઠી અસર ન પહોંચે તે માટે જુદીજુદી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. જો કે ઓનલાઈન શિક્ષણકાર્ય વચ્ચે ઐતિહાસિકનગર અંજારમાં એક આઘાતજનક બનાવ સામે આવતાં છાત્રોની સાથે વાલીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

આ બનાવની વિગત એવી છે કે, અંજારમાં નગરશિક્ષણ સમિતિ હસ્તકની એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં એક શિક્ષિકાએ ઓનલાઈન ક્લાસરૂમમાં શિક્ષણ ચાલુ કર્યું હતું.

શિક્ષિકાએ ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરતાની સાથે જ એકાએક પોર્ન વીડિયો શરૂ થઈ ગયો હતો. શિક્ષિકા કંઈ સમજે વિચારે તે પહેલાં પોર્ન વીડિયો શરૂ થઈ જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. વીડિયોમાં ચાલતી અશ્લીલ હરકતોથી છાત્રો તેમજ અન્ય શિક્ષકો પણ મૂંઝવણમાં આવી ગયા હતા.

આ પરિસ્થિતિને પામી ગયેલા શિક્ષિકાએ તાબડતોડ ઓનલાઈન ક્લાસ બંધ કરી નાખ્યો હતો. ત્યારબાદ ઘટના અંગે શાળા આચાર્યને જાણ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દ્વારા આ સમગ્ર કેસની પૂર્વ કચ્છ સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી.

બીજી તરફ શિક્ષિકાનો મોબાઈલ હેક થઈ ગયો હોવાથી આ ઘટના ઘટી હોવાની ચર્ચા વહેતી થઈ હતી. જેથી આ અંગે સાયબર ક્રાઈમ પીઆઈ બી. એમ. ઝીંઝુવાડિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઈન ક્લાસમાં આવો વીડિયો શરૂ થઈ ગયો હોવાની લેખિત ફરિયાદ આવી છે, જેને તપાસ અર્થે અંજાર પોલીસમાં મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.