શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સ્થિતિ ઉત્તર પ્રદેશ કરતાં પણ ખરાબ, 20 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત

GUJARAT

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં દેશના 374 જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત હોવાની જાણકારી આપી છે, જેમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર તરફથી અનેક પગલા ભરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ આપેલી જાણકારીમાં સૌથી ચોંકાવનારી વાત વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતને લઈને છે, જેમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આ આંકડો 56 ટકા છે. આમ શિક્ષણની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશની સ્થિતિ ગુજરાત કરતાં ઘણી સારી કહી શકાય.

ગુજરાતના ક્યા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત?

જો વિગતવાર આંકડા પર નજર નાંખીએ તો, ઉત્તર ગુજરાતના તમામ 4 જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ શૈક્ષણિક રીતે પછાત છે. જ્યારે મધ્ય ગુજરાતના 3 જિલ્લા દાહોદ, ખેડા અને પંચમહાલમાં શિક્ષણનું સ્તર પછાત જણાયું છે. જો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો અહીંના 7 જિલ્લાઓ જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્નનગર શૈક્ષણિક રીતે પછાત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, ડાંગ, સુરત, વલસાડ અને નર્મદા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે.

દેશના અન્ય રાજ્યોમાં શું છે સ્થિતિ?

દેશના વિવિધ રાજ્યોમાં શૈક્ષણિક રીતે પછાત જિલ્લાઓના આંકડાઓ જોઈએ તો, રાજસ્થાનમાં 91 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. આ સિવાય મધ્ય પ્રદેશમાં 75 ટકા, તમિલનાડુમાં 71 ટકા અને બિહારમાં 66 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. આ રીતે જોવા જઈએ તો, ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે.

જણાવી દઈએ કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા લોકસભામાં આ જાણકારી આપવામાં આવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની એક્સપર્ટ કમિટી દ્વારા દેશમાં કુલ 374 જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત જિલ્લા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. એક્સપર્ટ કમિટી દ્વારા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, પ્રતિ કૉલેજ એનરોલમેન્ટ, કોલેજ પોપ્યુલેશન રેશિયો વગેરે માપદંડોને આધારે શૈક્ષણિક રીતે પછાત જિલ્લાઓ નક્કી કર્યાં હતી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં દરેક ચૂંટણી સમયે “ગુજરાત મૉડલ”ની વાતો કરીને મતદારોને રિઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં ગુજરાતને વિકસિત રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે. આટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા પણ શિક્ષણ ક્ષેત્રે સુધારા માટે સર્વશિક્ષા અભિયાન જેવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ છતાં રાજ્યના 20 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. હવે સરકારના આંકડાએ દર્શાવી દીધુ છે કે, રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રે ઘણું કામ કરવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published.