શારીરિક સંબંધ બાદ લગ્નનો ઇનકાર છેતરપિંડી ના ગણાય: મુંબઈ હાઇકોર્ટ

nation

લાંબા સમય સુધી શારીરિક સંબંધ બનાવ્યા બાદ જો કોઇ લગ્ન કરવાનો ઇનકાર કરે છે તો તેને છેતરપિંડી માની શકાય નહીં. નીચલી અદાલત દ્વારા આ માટે યુવકને દોષિત ઠેરવવાના ચુકાદાને ફગાવી દેતા બોમ્બે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી છે. પાલઘરમાં રહેનારા કાશીનાથ ધરાતની સામે પોલીસે તેની ગર્લફ્રેન્ડની ફરિયાદના આધારે કલમ 376 અને 417 હેઠળ બળાત્કાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગર્લફ્રેન્ડનો આરોપ હતો કે કાશીનાથે લગ્નનું વચન આપીને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા અને પછી વચનમાંથી ફરી ગયો હતો.

આ કેસમાં 19 ફેબ્રુઆરી, 1999ના રોજ વધારાના સેશન જજે કાશીનાથને રેપના આરોપમાંથી મુક્ત કરી દીધો હતો પણ છેતરપિંડીમાં દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે કાશીનાથને ત્રણ વર્ષ સુધી લગ્નનો વાયદો કરીને શારીરિક સંબંધ બનાવવા અને પછી ફરી જવાના આરોપમાં એક વર્ષની સખત કેદની સજા પણ સંભળાવી હતી. કાશીનાથે આ આદેશને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઇની સિંગલ જજ બેન્ચે તેને છેતરપિંડીના આરોપમાંથી પણ મુક્ત કરી દીધો હતો. જસ્ટિસ પ્રભુ દેસાઇએ જણાવ્યું હતું કે પુરાવા જણાવે છે કે મહિલા અને આરોપી વચ્ચે ત્રણ વર્ષના લાંબાગાળા સુધી શારીરિક સંબંધ જળવાયા હતાં અને બન્ને વચ્ચે અફેર હતું.

મહિલાને છેતરવામાં આવી હોય તેવું સાબિત થતું નથી : કોર્ટ

જસ્ટિસે જણાવ્યું હતું કે મહિલાના નિવેદનોથી એ બાબત સાબિત થતી નથી કે તેને કોઇ પ્રકારના જૂઠમાં રાખવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આવા ઘણા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે એ બાબત સાબિત થવી જોઇએ કે મહિલા સામે લગ્નનો વાયદો કરીને ખોટી સચ્ચાઇ રાખવામાં આવી હતી કે જે પાછળથી ખોટી સાબિત થઇ હોય. અદાલતે જણાવ્યું હતું કે બે બાબત સાબિત થવી જોઇએ. પ્રથમ, ખોટી માહિતી આપીને લગ્નની વાત કરી હતી. બીજી, વાયદો જ ખોટો હતો અને તેને કારણે પ્રલોભનમાં આવીને મહિલા યૌન સંબંધ માટે રાજી થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *