સૌરાષ્ટ્રમાં વરસાદની વકી, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ

GUJARAT

ગુજરાતમાં એક તરફ લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પણ સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આગામી 25થી 29 મેના 5 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સિવાય 29મી મે સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તકેદારીના ભાગરૂપે સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, ગઈકાલે પણ આખો દિવસ આકરો તાપ રહ્યા બાદ મોડી સાંજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ, ચોટીલા અને વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. તોફાની પવન સાથે વરસાદના પગલે ચોટીલામાં વીજપૂરવઠો ખોરવાયો હતો, તો રાજકોટ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.