સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં સ્થિતિ બદતર બની છે. જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાંથી આફત રૂપે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે એવી સ્થિતિ સર્જાઈ છે કે, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે નીચાળવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
જૂનાગઢના વિસાવદરમાં 17 ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 16 કલાકમાં 17 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લાના સરસઈ નજીક આવેલ ધ્રાફડ ડેમ ઓવલફ્લો થઈ ગયો છે. જેના કારણે ધ્રાફડ ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ સિવાય અંબાજળ, ઝાઝંશ્રી ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
રાજકોટના ઉપલેટામાં ખેતરોમાં ભરાયા પુરના પાણી
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સિવાય ખેતરોમાં પણ પુરના પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુક્સાન થવા પામ્યું છે.
રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદના પગલે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લાના ન્યારી-1 ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાગુદડ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે રાજકોટ અને કાલાવડ-મેટોડા GIDC વચ્ચેનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ) રાજકોટ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજૂરડી ગામ પાસેનો આજી- 3 ડેમ તેની નિર્ધારીત સપાટીએ 100 ટકા ભરાઇ ગયેલ છે. આથી આજી- 3 ડેમના કુલ 13 દરવાજા, 6 ફૂટ ખોલવામાં આવેલ છે.
આથી હેઠવાસમાં આવેલા પડધરી, ટંકારા, જોડીયા અને ધ્રોલ તાલુકાના ખજૂરડી, થોરિયાળી, ખીજડીયા મોટા, ખાખરા, બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના, દેડકદડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
રાજકોટમાં વરસાદના કારણે વહીવટી તંત્ર દ્વારા સ્કૂલ અને કૉલેજમાં એક દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સિવાય પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ માટે NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.
જામનગરમાં હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ
ધોધમાર વરસાદના પગલે જામનગરના ફૂલઝર-1 અને હોળીસંગ ડેમના પાણી ઘુડસીયા ગામમાં ભરાઈ ગયા છે. ગામમાં વહીવટી તંત્રએ એલર્ટ આપ્યું છે, જ્યારે પુરના પાણીમાં ફસાયેલા ગ્રામજનોને હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યાં છે.
જામનગરના ધ્રોલમાં પણ નદીઓ ગાંડીતૂર બની છે. અહીંના ઉડ-1 ડેમના 17 દરવાજા 17 ફૂટ ખોલવાની ફરજ પડી છે. જેના પગલે ધ્રોલની બાવલી નદી ગાંડીતુર બની છે. જેના કારણે નદી કાંઠાના આસપાસના ગામોમાં પાણી ઘુસી ગયા છે.
વલસાડ જિલ્લાના 17 રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે 27 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. કોઝવે ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યાં છે. જ્યારે કપરાડામાં નીચાણાવાળા 19 કોઝવે ડૂબ્યા, જ્યારે ધરમપુરમાં અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે અનેક ગામોને અસર થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટીમો તૈનાત કરાઈ
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટીમોને લોકોની મદદ માટે તૈનાત કરવામાં આવી છે. જ્યારે NDRF પોતાની વધુ 5 ટીમો સૌરાષ્ટ્ર મોકલવાનું છે. હાલ જૂનાગઢમાં 1, જામનગરમાં 2, રાજકોટ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગરમાં NDRFની 1-1 ટીમો તૈનાત કરવામાં આવી છે.
જૂનાગઢ: ઘેડ પંથકની ઓઝત નદી ગાંડીતુર બની
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે ઘેડ પંથકની ઓઝત નદી ગાંડીતુર બની છે. કેશોદના બામણસા અને બાલાગામ એમ 4 જગ્યાએ નદી ઉપરના પાળા તૂટવાથી હજારો એકરમાં પાણી ફરી વળ્યાં. જેના પગલે ગામના સરપંચે તાત્કાલીક હોડીઓની વ્યવસ્થા કરવાની માંગ મૂકી છે.
અમરેલીના કુકાવાવમાં અનરાધાર વરસાદ
અમરેલીના કુકાવાવના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અહીના નાજાપુર ગામની મધ્યમાંથી પસાર થતી સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ગામના ખેતરોમાં નદીના પુરનું પાણી ફરી વળ્યું છે. આટલું જ નહીં, ગામના બજારોમાં પણ નદીનું પાણી ફરી વળ્યું છે.
અનેક ડેમ ઓવર ફ્લો
ભારે વરસાદના પગલે ધોરાજીના ભુખીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમના 8 દરવાજા સાડા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં 88 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. આટલું જ નહીં, ધોરાજી, ઉપલેટા, રાણાવાવ અને પોરબંદરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પુરનું પાણી ફરી વળ્યું છે.
આજ રીતે રાજકોટના ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જંગલેશ્વર, લલુડીમાંથી 2000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. પડઘરીનો આજી-3 ડેમ છલકાતા તેના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાં જળ સપાટી 341.29 ફૂટે પહોંચી ગઈ છે. જે ભયજનક સપાટીથી સાડા ત્રણ ફૂટ જ દૂર છે. ઉકાઉ ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે.