સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરી શકાય? આનાથી બાળકને નુકસાન તો નહીં થાય ને?

GUJARAT

પ્રશ્ન : સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરી શકાય? આનાથી બાળકને નુકસાન તો નહીં થાય ને? એક યુવતી (આણંદ)

ઉત્તર : સામાન્ય રીતે ડોક્ટર પોતે જ સગર્ભાવસ્થા દરમિયાન સક્રિય રહેવાની અને હળવી કસરત કરવાની સલાહ આપતા હોય છે. જો તમે સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવા ઇચ્છતા હો તો એ વિશે તમારા ડોક્ટર પાસથી યોગ્ય સલાહ લઇ લો કારણ કે દરેક મહિલાની શારીરિક પરિસ્થિત અલગ અલગ હોય છે. પ્રેગનન્ટ મહિલા માટે ભારે વજન ઊંચકવાનું કામકાજ અથવા તો ભારે કસરતો કરવાનું હિતાવહ નથી.

સગર્ભાવસ્થા દરમિયાન હળવી કસરત કરવાની ફાયદો થાય છે કારણ કે આ કસરતો શારીરિક અને માનસિક રીતે સંતોષ ઉત્પન્ન કરનારી હોય છે. એ મહિલાને પ્રસૂતિ માટે તૈયાર કરે છે. કસરત કરવાને કારણે સ્નાયુઓ ફ્લેક્સિબલ બને છે જે પ્રસૂતિને ખરેખર વધારે સરળ બનાવે છે. શ્વાસોચ્છ્વાસ પરનો કાબૂ ડિલિવરી સમયે ઉપયોગી નીવડે છે. જરૂર પ્રમાણેની કસરતોથી કમરનો દુખાવો મટી શકે છે.

આ કસરતો સગર્ભાવસ્થાના અંતઃસ્ત્રાવોથી સાંધાઓ ઢીલા પડ્યા હોય તેને પણ સુસંગઠિત કરે છે. કસરત પછી મગજમાંથી ‘એન્ડોર્ફીન’ નામનો રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય જેનાથી આનંદ અને સંતોષની લાગણી અનુભવાય છે. પહેલાના જમાનામાં કસરતનું બહુ ચલણ નહોતું ત્યારે ઘરની વડીલ મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન મહિલાને શક્ય એટલું વધારે હલનચલન કરવાની સલાહ આપતી હતી.

પ્રશ્ન : મારા છ મહિના પહેલા જ લગ્ન થયાં છે. હું પોસ્ટ ગ્રેજ્યુએટ છું અને દેખાવમાં પણ સુંદર છું. મને ઘરના કામ કરવામાં તેમજ ભોજન બનાવવામાં પણ રસ છે. મારા પરિવાર તેમજ સાસરિયાં મારા ખૂબ વખાણ કરે છે પણ મારા પતિને મારી કદર નથી. હું અને મારા પતિ નોકરીના કારણે પરિવારથી અલગ રહીએ છીએ. મારા પતિ મારી દરેક વાતમાં અને દરેક કામમાં મારી ભૂલ કાઢે છે. તેમને દરેક કામ પરફેક્ટ જોઇએ છે. મારા પતિની આ વર્તણૂંકને કારણે મારું તો જીવન ઝેર જેવું થઇ ગયું છે અને લગ્નમાંથી મારો રસ ઊડી ગયો છે. મારે હવે શું કરવું? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : જેમ બે વ્યક્તિઓ અલગ અલગ હોય છે તેમ તેમની પરફેક્ટની વ્યાખ્યા પણ અલગ અલગ હોય છે. એક વ્યક્તિને જે વાત પરફેક્ટ લાગતી હોય એ બીજી વ્યક્તિને પરફેક્ટ ન લાગે એવું પણ બની શકે છે. હકીકતમાં ભૂલ કાઢવાની આદત એક મનોવિકાર છે. જે વ્યક્તિને આવી કુટેવ હોય તેમને બીજાના દરેક કામમાં અને વર્તનમાં ભૂલ જ દેખાય છે. દરેક વ્યક્તિ સરખી નથી હોતી.

જો તમારા પતિને દરેક કામ પરફેક્ટ જોઇતું હોય તો તેમણે એ પણ સમજવું જોઇએ કે ઘરની તમામ વ્યવસ્થા તમે એકલા હાથે સંભાળી રહ્યા છો. ઘર અને ઓફિસમાં તફાવત હોય છે. ઓફિસમાં સફાઇ અને વ્યવસ્થા માટે પગારદાર માણસ રાખવામાં આવે છે જ્યારે પત્નીના ભાગે બધી જ જવાબદારી હોય છે. જો તમારા પતિ દરેક કામમાં પરફેક્શનનો આગ્રહ રાખતા હોય તો તેમણે ઘરની જવાબદારીમાં પણ ફાળો આપવો જોઇએ.

પરફેક્શનના દુરાગ્રહને કારણે ઘણીવાર ઘર જેલ જેવું બની જાય છે. આવા લોકોથી પરિવારજનો પણ અંતર જાળવે છે અને મહેમાનો તેમના ઘરે આવવાનું ટાળે છે. તમારી સમસ્યાનો સવાલ છે ત્યાં સુધી તમારા લગ્નને હજી છ મહિના જ થયાં છે. તમારા બંને વચ્ચે હજી સમજણનો સેતુ વિકસી રહ્યો છે ત્યારે આટલી નાની વાતથી લગ્નમાંથી રસ ઉડી જાય એ યોગ્ય નથી.

તમે જબરદસ્તીથી કે પછી લડાઇ કરીને તમારી વાત પતિને નહીં સમજાવી શકો. જો તમે તાર્કિક રીતે પ્રેમથી તમારી વાત સમજાવાનો પ્રયાસ કરશો તો એ પણ સમજી જશે. ભૂલ એનાથી જ થાય છે જે કામ કરે છે. પતિ અને પત્ની બંને અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને એકબીજા સાથે સુમેળ સાધવો જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *