રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને કાઉન્સેલિંગ માટે સરકાર દ્વારા મહિલા હેલ્પલાઇન અભયમ 181 કાર્યરત છે. અમદાવાદમાં 15 વર્ષની સગીરાને તેનાથી બમણી ઉંમરના પરણિત વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો તેની સાથે જ રહેવાની જીદ કરી હતી. જેથી મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી અને હેલ્પલાઇનની ટીમે તેને સમજાવતા તેણે ભણવામાં ધ્યાન આપશે તેવી બાયંધરી આપી હતી.
બીજા કિસ્સામાં પિયરમાં રહેતી પત્ની પાસેથી પતિ રમાડવાના બહાને બાળકને લઇ ફરાર થઇ ગયો હતો. મહિલાએ હેલ્પલાઇનની ટીમની મદદ લેતાં ઘરે પહોંચી બાળકને તેની માતાને પાછું અપાવી પતિ અને સાસુને કાયદાકીય સમજ આપી હતી.
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન ને ફોન આવ્યો હતો કે તેની 15 વર્ષની દીકરી તેનાથી બમણી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમમાં છે અને તેની સાથે જ રહેવાની જીદ કરી અને ઉપરથી પડીને મરી જવાની તેમજ પગમાં બ્લેડ મારવાની ધમકી આપે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.
‘મારી 15 વર્ષની દીકરીને 29 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો’
મહિલા હેલ્પલાઇનની ટીમને તેની માતાએ જણાવ્યું હતું કે પરિવારમાં તેની બે દીકરીઓ છે. જેમાં એક 15 વર્ષની અને બીજી હજી છ મહિનાની છે. 15 વર્ષીય દીકરીને તેમના ઘરની સામે ઘર જમાઈ તરીકે રહેતા 29 વર્ષીય યુવક સાથે પ્રેમ ગયો છે અને હવે તેની સાથે જ રહેવાની જીદ કરે છે. તે 14માં માળેથી પડી જવાની અને પગમાં બ્લેડ મારવાની ધમકી આપી છે.
‘હું મારી પત્ની અને છોકરાને છોડીને તારી સાથે રહીશ’
જ્યારે મહિલા હેલ્પલાઇનની ટીમે દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે યુવક સાથે તેને મિત્રતા બંધાઈ હતી ત્યારબાદ એક બીજાના નંબર આપ લે કર્યા હતા અને તેની સાથે બહાર ફરવા જતી હતી. તેને એક છોકરો પણ છે. તેણે જણાવ્યું હતું કે, હું મારી પત્ની અને છોકરાને છોડીને તારી સાથે રહીશ. તેની પાસેથી ફોટો પણ મંગાવતો હતો. હાલમાં તેણે જણાવી દીધું હતું કે બધાને ખબર પડી ગઈ છે એટલે હું વાત કરીશ નહીં, અઢાર વર્ષની થઈ જાય પછી લગ્ન કરી લઈશું એમ કહ્યું હતું. મહિલા હેલ્પલાઇનની ટીમે તેને સમજાવી હતી કે, આ બધું ખોટું છે અને ભણવામાં ધ્યાન આપવું જોઈએ. યુવકને પણ ફોન કરી અને સમજાવ્યો હતો કે આ તેની ભણવાની ઉંમર છે. સગીરાને પણ સમજાવતા તે માની ગઈ હતી.
‘પતિ મારા બાળકને લઈને ભાગી ગયા’
બીજા કિસ્સામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી 23 વર્ષીય એક મહિલાનો હેલ્પલાઇનમાં ફોન આવતા જણાવ્યું હતું કે પતિ મારા બાળકને લઈને ભાગી ગયા છે. હેલ્પલાઇનની ટીમ જણાવેલા સરનામે પહોચી પૂછતાં જાણવા મળ્યું હતું કે ઘરમાં તેમના પતિ દ્વારા હેરાનગતિ કરતા તેઓ છ મહિનાથી માતાના ઘરે છે. ચાર દિવસ અગાઉ તેમણે બાળકને જન્મ આપ્યો હતો. જેનો તમામ ખર્ચ મહિલાની માતાએ ઉપાડ્યો હતો. સાસરી પક્ષ હોસ્પિટલમાં પણ મળવા આવ્યા ન હતા. સાસરીવાળા જબરજસ્તી બાળકને લેવા માટે આવ્યા હતા જેથી મહિલાએ પોલીસ બોલાવતા સાસરી પક્ષ ત્યાંથી ભાગી ગયો હતો.
બાદમાં પતિ બાળકને રમાડવાના બહાને ઘરે આવ્યા હતા અને બાળકને લઈને તેમના ઘરે ભાગી ગયા હતા. હેલ્પલાઇનની ટીમ બહેનની સાથે તેમની સાસરીમાં ગયા હતા. જ્યાં તેમના ઘરનો દરવાજો લોક મારેલો હતો. પાડોશીને પૂછતા કોઈ જવાબ મળ્યો નહિ પરંતુ ઘરની પાછળ બીજો દરવાજો છે ત્યાં તપાસ કરતા તેમના પતિ બાળક અને સાસુ મળી આવ્યા હતા. જ્યાં તમામને સમજાવી અને મહિલાને બાળક પાછું અપાવ્યું હતું. સાસરી પક્ષને કાયદાકીય સમજ પણ આપી હતી.