ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એક નવા ઉત્તર કોરિયાના પ્રોપેગન્ડા વીડિયોમાં જોવા મળ્યા છે. તે કિમ જોંગ ઉનના આર્થિક નેતૃત્વની અતિશયોક્તિ કરવામાં આવી છે, પરંતુ હાલમાં જ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલા મિસાઇલ પરીક્ષણોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.
ઉત્તર કોરિયાએ આ વર્ષની શરૂઆતથી એક પછી એક સાત વિસ્ફોટક મિસાઈલના પરીક્ષણો કર્યા છે. આમાં 2017 પછી કરવામાં આવેલ સૌથી શક્તિશાળી મિસાઈલ પરીક્ષણનો પણ સમાવેશ થાય છે. આ પરીક્ષણ બાદ એવી ચિંતા વધી ગઈ છે કે કિમ જોંગ ઉન ફરી લાંબા અંતરની પરમાણુ મિસાઈલનું પરીક્ષણ શરૂ કરી શકે છે.
પરંતુ ઉત્તર કોરિયાની સરકારે આ અઠવાડિયે એક ડોક્યુમેન્ટરી બહાર પાડી જેમાં કિમ જોંગ ઉનને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સંઘર્ષ કરતા બતાવવામાં આવ્યા છે, જે કોરોનાવાયરસ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વધુ ટલી રહી છે.
કીમ જોંગ ઉનને સારો નેતા દેખાડવાની કોશિશ
આ ડોક્યુમેન્ટ્રીની થીમ કિમની પ્રતિબદ્ધતા અને મહેનત લોકોને બતાવવાની છે. વોશિંગ્ટનમાં સ્ટિમસન સેન્ટર ખાતે 38 નોર્થ પ્રોગ્રામના સાથી રશેલ મિન્યોંગ લીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું.
આ વીડિયોમાં કિમ સફેદ ઘોડા પર સવારી કરતા દેખાડવામાં આવ્યા છે. આ કિમના પરિવાર અને શાહી શાસનનું એક અગ્રણી પ્રતીક છે.
રશેલ મિન્યોંગ લીએ કહે છે, ‘મને નથી લાગતું કે આપણે ઘોડાવાળા સીન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉત્તર કોરિયાના તાજેતરના મિસાઇલ ટેસ્ટ લોન્ચ સાથે તેનો બહુ ઓછો સંબંધ છે.’
ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને અમેરિકા સાથેની વાટાઘાટો અટકી ગયા પછી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો અને ભૂખમરો હોવા છતાં તેમના શાસનના સૈન્યને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો તીવ્ર કરી દીધા હતા.
યુનિવર્સિટી ઓફ નોર્થ કોરિયન સ્ટડીઝના પ્રોફેસર યાંગ મૂ જિનનું કહેવું છે, ‘આ ડોક્યુમેન્ટરીમાં કિમ જોંગ ઉનના માનવીય ચહેરાને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેને એક એવા નેતા તરીકે દર્શાવવામાં આવ્યો છે જે પોતાના લોકોને ખૂબ પ્રેમ કરે છે અને ઘણીવાર સખત મહેનતને કારણે થાકી જાય છે.’
ઉત્તર કોરિયામાં ફેબ્રુઆરીમાં પૂર્વ નેતા કિમ જોંગ ઈલના 80મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે સાથે જ એપ્રિલમાં ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઈલ સુંગના 110મો જન્મદિવસ પણ ઉજવવામાં આવશે.
યાંગ મૂ જિને જણાવ્યું કે, ‘સફેદ ઘોડા પર સવારી કરતા કિમના શોટ્સ પ્રેક્ષકોને યાદ અપાવે છે કે તે કિમ ઇલ સુંગના વંશજ છે જેમને ખૂબ જ સન્માનથી જોવામાં આવે છે.’