પ્રશ્ન : મારાં લગ્નને છ મહિના જ થયાં છે. મારા પતિ અત્યારથી જ મને કહે છે કે મને કશી જ સમજણ નથી પડતી અને મારા કારણે એમનું જીવન બગડ્યું. હકીકતમાં તેમને અન્ય યુવતી સાથે પ્રેમ હતો અને તેઓ એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. હજી પણ તેમની વચ્ચે પ્રેમસંબંધ તો છે જ. આવા સંજોગોમાં મારે શું કરવું? એક મહિલા, અંકલેશ્વર
ઉત્તર : તમારા લગ્નને છ મહિના જ થયા છે અને તમારા પતિ જો અત્યારથી જ તમારી સાથે આ રીતે વર્તતા હોય તથા તમારા જણાવ્યા મુજબ જો તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય તો તમારે આ વાતની જાણ તમારા સાસરિયામાં કરવી જોઇએ.
તમારા પતિને શાંતિથી પૂછો કે તમે કઇ રીતે એમનું જીવન બગાડ્યું કેમ કે તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છે. હકીકતમાં એ તમારી જિંદગી સાથે રમત રમ્યાં છે. છતાં જો તેમના વર્તનમાં કોઇ ફેરફાર ન જણાય તો તમારા પરિવારમાં વડીલો સાસુ-સસરા કે જેઠ-જેઠાણીને વાત કરો. જરૂર લાગે તો તમારા માતા-પિતાને પણ વાત કરો.
પ્રશ્ન : હું કોલેજના ત્રીજા વર્ષમાં ભણું છે. હું મારી સાથે ભણતા એક સારા ઘરના છોકરા સાથે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારા પ્રેમપ્રકરણની બધાને ખબર છે. ્હવે વર્ષ પણ પૂરું થવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં હું જ્યારે મારા બોયફ્રેન્ડમાં પોતપોતાના ઘરમાં અમારા સંબંધોની વાત જાહેર કરવાનું કહું છું તો એ ટાળી દે છે. તેના ઇરાદા તો બરાબર હશે ને? એક યુવતી, અમદાવાદ
ઉત્તર : તમે અને તમારો બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરો છો અને કરિયરના મામલે કોઇ દિશા નક્કી નથી થઇ. આ સંજોગોમાં તમારો બોયફ્રેન્ડ પરિવારમાં તમારા સંબંધોની વાત કરવાનું ટાળતો હોય તો તેની સમસ્યા સમજી શકાય એવી છે. સામા પક્ષે તમને તેના આવા વર્તનથી શંકા થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ સમય છે. તમારે આ સમયે થોડી ધીરજ રાખીને કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે.
તમે વયમાં હજી નાના છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારો હજી સંપર્ક નથી થયો. આ સંજોગોમાં તમારે તમારા સંબંધને હજી થોડો વધારે સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ મજબૂત હશે તો ચોક્કસ અંત હકારાત્મક આવશે. જો બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકા સાચી હશે તો સમયની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.