કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે આવતીકાલથી પવિત્ર પાવન શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી ભાવિકો શિવભક્તિમાં લીન બની જશે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે. જળ, તલ, ધતૂરો, બીલીપત્રથી શિવજીને રિઝવવા પ્રયાસ થશે.
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય શિવાલયો શિવભક્તોથી ઉભરાશે. શહેરના તમામ જાણીતા શિવમંદિરોમાં ભક્તિની આહલેક જાગશે.શ્રાવણ માસના આરંભ સાથે આ વર્ષે વિવિધ સંયોગો જોવા મળી રહ્યા છે. જ્યોતીષોના જણાવ્યા મુજબ, આ વર્ષે શ્રાવણમાં પાંચ સોમવાર છે. ભગવાન શિવનો વાર ગણાતા સોમવાર પાંચ હોવાની સાથે મંદિરોમાં તે પ્રકારે પૂજા-અર્ચના થશે.
શ્રાવણ માસમાં ૧૨ ઓગસ્ટે વિનાયક ચોથ, ૧૮ ઓગસ્ટે પુત્રદા એકાદશી, ૨૧ ઓગસ્ટે નારિયેળી પૂનમ, ૨૫ ઓગસ્ટેના બુધવારે સંકટ ચોથ, ૩ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે અજા એકાદશી, ૬ સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાસ આવશે. ૫ સપ્ટેમ્બરના રોજ શિવરાત્રી અને ૬ સપ્ટેમ્બરના રોજ દર્શ અમાસ શિવ પૂજા અમાસ છે.
શ્રાવણ માસમાં આ તમામ પર્વોનું ભારે મહાત્મ્ય છે. આ સાથે જ ભોલેનાથને રીઝવવા માટે પૂજા, અભિષેક ફળદાયી માનવામાં આવે છે. શિવભક્તો રાશિ પ્રમાણે પૂજન અને શિવલિંગ પર વિવિધ અભિષેક કરીને શ્રાવણની પૂજા કરી શકે છે.
૧.
મેષ
તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું. લાલ ફૂલ ચઢાવવા.
૨. વૃષભ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરવા.
૩. મિથુન શેરડીનો રસ અને બીલીપત્રથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી.
૪. કર્ક સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.
૫. સિંહ ગોળ મિશ્રિત ગંગાજળથી તેમજ ઘઉં અર્પણ કરીને શિવજીની પૂજા કરવી.
૬. કન્યા શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો. શિવજીને બીલીપત્ર ચઢાવવા.
૭. તુલા અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો. સુગંધી ફૂલો ચઢાવવા.
૮. વૃિૃક શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.
૯. ધન કેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો. પીળા ફૂલ શિવજીને ચઢાવવા.
૧૦. મકર શ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.
૧૧. કુંભ શ્રાવણમાં ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો.
૧૨. મીન હળદરવાળા દૂધથી ભગવાનનો અભિષેક કરવો. પ્રસાદમાં પીળી મીઠાઇ ધરાવવી.