ખાસ કરીને ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એમા પણ જો ખીચડી મળે એટલે મજા પડી જાય. તો તમે અવારનવાર ઘરે ખીચડી બનાવતા હશો. પરંતુ આજે અમે તમારા માટે તદ્દન અલગ જ ખીચડીની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ફટાફટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય રજવાડી ખીચડી.
સામગ્રી
ચોખા – 2 કપ
તુવેરની દાળ – 1 કપ
સિંગ- 50 ગ્રામ
વટાણા – 150 ગ્રામ
બટાકા- 1 સમારેલું
ડુંગળી- 1 ઝીણી સમારેલી
ટામેટુ- 1 ઝીણું સમારેલું
લસણ- 10થી 12 કળી
તજ – 4 નંગ
લવિંગ – 2 નંગ
આખા લાલ મરચાં – 2 નંગ
હળદર – અડધી ચમચી
મરચું – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
જીરું – પા ચમચી
રાઇ – પા ચમચી
લીમડાના પાન- વઘાર માટે
આદું-લસણની પેસ્ટ – દોઢ ચમચી
તેલ – 2 ચમચા
પાણી – જરૂર પ્રમાણે
નમક- સ્વાદાનુસાર
બનાવવાની રીત
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો. જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો. હવે કૂકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરું અને તજ, લવિંગ ઉમેરો. થોડીવાર પછી તેમાં બટાકા, ડુંગળી, ટામેટા, લસણ, લીમડો અને વટાણા ઉમેરો અને થોડી વાર સાંતળો. ત્યાર પછી તેમાં હળદર, મીઠું અને અન્ય મસાલા ઉમેરો. 2 મિનિટ બાદ તેમા તેમાં દાળ-ચોખા ઉમેરી 15 મિનિટ રહેવા દો. હવે તેમાં 5 કપ પાણી રેડી ત્રણ સીટી વાગે ત્યાં સુધી મધ્યમ આંચ પર ચઢવા દો. તૈયાર છે ગરમા ગરમ અને મસાલેદાર ખિચડીને દહીં, કઢી કે છાશ સાથે સર્વ કરો.