એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ ઘણા મોટા રેકેટ બહાર આવ્યા છે. અહેવાલો અનુસાર કુંદ્રાને પકડતાં પહેલાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ મહિના સુધી કુંદ્રા વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે ભારે કવાયત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કુંદ્રાની ટોળકી ફિલ્મ નિર્માણ માટે બનેલા એક પ્રોડક્શન હાઉસની આડમાં મોટું રેકેટ ચલાવતી હતી અને ૨૦ વર્ષની આસપાસની સ્ટ્રગલિંગ એક્ટ્રેસને ટાર્ગેટ કરતી હતી, તેને કોન્ટ્રાક્ટની જાળમાં ફસાવીને પછી પોર્ન ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર એક કલાકારને દિવસના ૩૦થી ૫૦ હજાર રૃપિયા આપવામાં આવતા હતા.
આ ટોળકી મડ આઈલેન્ડ જેવા ઓછી વસતી ધરાવતા વિસ્તારમાં આવેલા મોટા બંગલાને એક દિવસના ૨૦થી ૨૫ હજારના ભાડા પર લઇ લેતી હતી અને તેના માલિક અને કર્મચારીઓને શૂટિંગ દરમિયાન બંગલામાં નહી રહેવાનો ક્લોઝ રાખતી હતી. ત્રણ દિવસ અગાઉ મલાડ પિૃમના મડ ગાંવમાં એક ભાડાના બંગલા ઉપર રેડ કરવામાં આવી અને ત્યાંથી પાકા પુરાવા મળ્યા બાદ જ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
શિલ્પાની કોઈ સક્રિય ભૂમિકા સામે આવી નથી : પોલીસ
સંયુક્ત પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે હજુ સુધી કુંદ્રાની કંપનીમાં શિલ્પાની કોઇ સક્રિય ભૂમિકા સામે આવી નથી. જો કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. કુંદ્રાની ઓફિસમાંથી જે પુરાવા મળ્યા છે તેને આધારે હજુ કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ થઇ શકે છે. આ ઉપરાંત શિલ્પાને તેનું નિવેદન નોંધાવવા માટે ટૂંક સમયમાં બોલાવવામાં આવી શકે છે, તેમ કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું.
કુંદ્રાનો યુકે સ્થિત સંબંધી વીડિયો અપલોડ કરવાનું કામ કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રા યુકેમાં રહેતાં પ્રદીપ બક્શી નામના તેના એક સંબંધી સાથે મળીને રેકેટ ચલાવતો હતો. ૪૩ વર્ષનો પ્રદીપ યુકેની કેનરિન પ્રોડક્શન હાઉસનો ડાયરેક્ટર છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અનુસાર કેનરિન પ્રોડક્શન હાઉસના પ્રતિનિધિ તરીકે ઉમેશ કામત ભારતમાં કામ કરતો હતો. આ ઉમેશ અને ગહના વશિષ્ઠ તેના માટે BP ફિલ્મ તૈયાર કરતાં હતાં તથા તેને ભારતીય એજન્સીઓને વેચવા માટે આ તૈયાર વીડિયો એપ્લિકેશન્સ મારફત કેનરિનને મોકલવામાં આવતાં હતાં. એડિટિંગ બાદ તેને હોટ શોટ એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવતાં હતાં. અહેવાલો અનુસાર એક વીડિયો માટે એકલા કુંદ્રાને જ પાંચ લાખ રૃપિયા મળતા હતા.
પુનિત કૌરને પણ કુંદ્રાએ ઓફર મોકલી હતી
દરમિયાન પ્રસિદ્ધ યૂટયૂબર પુનિત કૌરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એ બાબતનો ખુલાસો કર્યો છે કે રાજ કુંદ્રાએ તેને પણ એક એપ વીડિયોમાં કામ કરવાની ઓફર મૂકી હતી. પુનિત આટલાથી અટકી નથી, તેણે એમ જણાવ્યું હતું કે ભગવાન કરે રાજ કુંદ્રા જેલમાં જ સડે.