રાજકોટ: યુવતીની કરૂણ કહાની, જાગૃત પડોશીઓએ ભાંડો ફોડયો

GUJARAT

રાજકોટ શહેરના સામા કાંઠે કનકનગરમાં એક અરેરાટી ભરી ઘટના લોકોની જાગૃતિથી સામે આવી છે. માં-બાપ વિહોણી યુવતીને તેના મોટાબાપુના પરિવારજનો છેલ્લા પાંચ માસથી મારકૂટ કરી, જમવાનું પણ નહી આપી, ચીપિયાથી હોઠ ખેચી, લોઢીથી મારકૂટ કરતા હોવાની પાડોશીઓએ પોલીસને જાણ કરતા થોરાળા પોલીસે દોડી જઈ યુવતીના ભાભુ અને તેની દીકરી સામે ગુનો નોંધી અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પિતાનું છ માસ પૂર્વે કોરોનાથી મોત થયુ હતુ

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કનકનગર શેરી નંબર 7માં એક પરિવાર દ્વારા યુવતીને ગોંધી રાખી મારકૂટ કરવામાં આવતી હોવાનું જાગૃત પાડોશીએ 181માં જાણ કરતા 181નો સ્ટાફ્ અને થોરાળા પોલીસ મથકનો સ્ટાફ્ દોડી ગયો હતો. અને યુવતીને મુક્ત કરાવી કાઉન્સેલીંગ કરતા તેણીએ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે તેના માતાના છૂટાછેડા થઇ ગયા છે. અને પિતાનું છ માસ પૂર્વે કોરોનાથી મોત થયા બાદ પોતે મોતાબાપુ સાથે અહિયાં રહે છે.

પડોશી પાસે મદદ માંગતા 181ને જાણ કરી

પરંતુ પાંચ માસથી ભાભુ અનસુયાબેન અને તેની 23 વર્ષીય દીકરી મારી પિતરાઈ બહેન શિવાની બંને દરરોજ મારકૂટ કરી આખો દિવસ ઘરનું કામ કરી ત્રાસ ગુજારે છે કામ ન કરે તો ચીપિયાથી હોઠ ખેચે અને લોઢીથી માર મારે છે. આજે પણ વહેલી સવારથી મારકૂટ કરતા હોય પડોશી પાસે મદદ માંગતા 181ને જાણ કરી હતી અને પોલીસે મુક્ત કરાવી હતી.

પડી જતા ઈજા થઇ હોવાનો ખોટો આક્ષેપ કર્યો

પોલીસ પહોચી ત્યારે પણ દીકરી લોહીલુહાણ હાલતમાં હોય તેના ભાભુએ યુવતી સવારે પાંચ વાગ્યે ચોરી કરીને ભાગતી હતી અને પડી જતા ઈજા થઇ હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો. થોરાળા પીઆઈ બીએમ કાતરીયાએ યુવતીની ફરિયાદ પરથી ભાભુ અનસુયાબેન અને પિતરાઈ બહેન શિવાની સામે ગુનો નોંધી સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પડોશીઓ જમવાનું આપે તો પણ ભાભુ ફેંકી દેતા

જાગૃત પાડોશીએ જણાવ્યું હતું કે ભૂખી દીકરીને બહાર પણ કાઢતા ન હતા. બારીમાંથી તે જમવાનું માંગતી હોય કોઈ પડોશી જમવાનું આપે તો પણ તેના ભાભુ સહિતનાઓ જમવાનું ફેંકી દેતા હતો. તેમજ તેની પોતાની ત્રણ દીકરીઓને સારી રીતે સાચવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *