રાજકોટ હનીટ્રેપ: મારો પતિ ઘરે નથી હોટેલમાં રાત માણીએ…

GUJARAT

રાજકોટમાં ફરી એક વખત હની ટ્રેપની ઘટના સામે આવી છે. લીંબડીના ખંભલાવના યુવાનને રાજકોટની યુવતીએ મારો પતિ ઘરે નથી હોટેલમાં રાત્રી રોકાણની લાલચ આપી ગ્રીનલેન્ડ ચોક બોલાવી બાદ ચોટીલા નજીક હોટેલ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી 3 યુવાનો આવી પોલીસની ઓળખ આપી બે મોબાઇલ સાથે રોકડ રકમ પડાવી લઇ ગુનો આચર્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસે એક યુવતી સહીત 3 આરોપીની ધરપકડ કરી ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સોનાં નામ છે. જેમાં જીતુદાન જેસાણી, રાહુલ નિમાવત અને જાનકી ઉપરા. આ ત્રણેય શખ્સો પર આરોપ છે લીંબડીના યુવાન સાથે મિત્રતા કેળવીને હનીટ્રેપ કરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, જામનગરની નિકિતા ગોપીયાણી તેના પતિ અને પતિના મિત્રો સાથે મળી હનીટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. જેમાં લીંબડીના યુવાનને રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પર બોલાવી ત્યાર બાદ ચોટીલા નજીક લઇ ગયેલ જ્યાં નિકિતાનો પતિ સંદિપ ગોપીયાણી અને તેના મિત્રો પહોંચી કાર રોકી પોલીસ તરીકે ઓળખ આપી ધાકધમકી આપી હતી. દરમિયાન યુવક પાસેથી 50,000 થી વધુની રોકડ રકમ તેમજ 45,000 કિંમતના બે મોબાઇલ ફોન પડાવી લઇ ગુનો આચર્યો હતો. ફરીયાદી યુવાને પોલીસને જાણ કરતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી ફરાર મુખ્ય મહિલા આરોપી સહીત 3ની શોધખોળ હાથ ધરી છે.

કેવી રીતે કરતા હનીટ્રેપ..?

પોલીસનાં કહેવા પ્રમાણે, ફરાર આરોપી નિકિતા ગોપીયાણી લીંબડીના યુવાનોનો સંપર્ક કરી મિત્રતા કેળવી બાદમાં તેનો પતિ ઘરે નથી માટે રાત્રી દરમિયાન બહાર હોટેલમાં જવા લાલચ આપી હનીટ્રેપ માટે પ્લાન બનાવ્યો હતો. એ મુજબ યુવક સાથે નિકિતા ઉર્ફે પૂજા કારમાં બેસી જતા પાછળથી અન્ય 3 યુવાનો આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને કેસ રફેદફે કરવા રૂપિયાની માંગ કરી માર માર્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી 8500 રોકડ તેમજ એટીએમમાંથી વધુ 38,000 ઉપાડી અને 45,000 કિંમતના બે મોબાઇલ પડાવી લીધા હતા.

યુવતી અગાઉ હનીટ્રેપના ગુનામાં આજીડેમ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે

યુવાનોને પ્રેમજાળ અને મિત્રતામાં ફસાવીને હનીટ્રેપનો શીકાર કરતી ટોળકીના 3 સભ્યોને પકડી પોલીસે જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. અને ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં અવાર નવાર આ પ્રકારનાં ગુનાઓ સામે આવતા હોય છે અને વર્ષ 2021માં આરોપી પૈકી જાનકી નામની યુવતી અગાઉ હનીટ્રેપના ગુનામાં આજીડેમ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે 3 આરોપીને કુલ 3 લાખ 51 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી ફરાર મુખ્ય આરોપી નિકિતા ગોપીયાણી પતિ સંદિપ ગોપીયાણી અને જયદિપ ગોહિલની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.