રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મેળવવા ભગવાન હનુમાનજીની કરી લો પૂજા અર્ચના

DHARMIK

ભારત એક એવો દેશ છે કે જ્યાં ભક્તોની પરંપરા નિર્માણ થઇ છે, પરંતુ એક પણ ભક્તનું ન તો સ્વતંત્ર મંદિર છે, ન તો ભગવાનના મંદિરમાં તેમનું સ્થાન છે. પણ હનુમાનજી એવા ભક્ત હતા જે પોતે એક ભગવાન પણ હતા અને ભગવાન શ્રી રામના મહાન ભક્ત પણ હતા. તેઓ એવા રામભક્ત હતા કે જ્યાં જ્યાં પ્રભુ શ્રી રામનું મંદિર હોય ત્યાં ભગવાન શ્રી હનુમાન અચૂક બિરાજમાન હોય છે.

તેઓ પોતાની જાતને મહાવીર કે ભગવાન નહોતા સમજતા, તેમના માટે તો તેમનો ભગવાન એટલે રામ. શિવ મંદિરમાં હનુમાનજી બિરાજમાન હોય છે, તેમજ ઠેકઠેકાણે હનુમાનજીનાં સ્વતંત્ર મંદિર જોવા મળે છે. આજે પણ લોકોને એવી શ્રદ્ધા છે કે જ્યાં જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં ત્યાં સ્વયં હનુમાન એક વાર ઉપસ્થિત હોય જ. આમ તો ભક્ત પ્રભુ પાસે પોતાના મનની મનોકામના માંગતાં હોય છે, પણ અહીં ભગવાન ખુદ ભક્ત હનુમાનના ઋણી હંમેશ માટે રહેશે તેવી વાત શ્રી રામે કરી છે.

તેમણે જે રીતે દેવી સીતાને લંકાથી લાવવા મદદ કરી છે તે જોયા બાદ ભગવાન રામે તેમના આ ઉપકાર ચૂકવવા શું કરવું તે વિચારવા માંડયું હતું. હનુમાનજી જેવા તેમની પાસે પહોંચ્યા કે તરત રામે તેમને ગળે વળગાડી લીધા, અને તેમને જણાવ્યું કે હે સખા! તારાં એક એક ઋણ ચૂકવવા હું તને મારા પ્રાણ આપું તો પણ ઓછું પડશે, કારણ કે પ્રાણ તો પાંચ જ હોય જ્યારે તારા ઉપકાર અનેક છે, તેથી આજથી હું તારો ઋણી છું.

શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે. હનુમાનજીને સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના ૧૧મા અવતાર કહેવાય છે.

દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મદિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મદિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની ચૌદસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે.

પૌરાણિક કથા 

કહેવાય છે કે હનુમાનજીનાં માતા અંજના એક અપ્સરા હતાં. તેમને શાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડયો. આ શાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મીકિ રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે ૧૨વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફ્ળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો.

એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઊડયા અને સૂર્યને ફ્ળ સમજીને ખાવા દોડયા. એ જ દિવસે રાહુ પણ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવા આવ્યો હતો. જોકે તેઓ હનુમાનજીને બીજો રાહુ સમજી બેઠા. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડયું.

હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્ત્વ 

હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્ત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયાં. તેમણે માતાને પૂછયું: મા, આ શું લગાવી રહ્યાં છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધું.

એ જ રીતે તેલની પણ અલગ વાત છે. એક વાર શનિદેવ ગંધમાદન પર્વત તરફ્થી પસાર થયા. હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનની ઈર્ષ્યા થવા લાગી.

શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એને વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી બે-ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું: હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરરાજ મેં દેવ-દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે, તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફ્ડફ્ડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું.

શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડયા કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યા. આટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા.

પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટાંમોટાં વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઇ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહીં કરો. શનિદેવને અસહ્ય વેદના થઇ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યું. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધું જ શનિદેવને મળે છે અને પ્રસન્ન થઇને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ, હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *