રાધનપુરમાં પરણીને આવી એ જ રાત્રે પતિને બેભાન કરી કાંડ કરીને ભાગી ગઈ

GUJARAT

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી લૂંટેરી દુલ્હનના કેસ વધી રહ્યા છે. કેટલાંક લગ્નવાંચ્છુક યુવકો રુપિયા ખર્ચીને મહારાષ્ટ્રથી દુલ્હન લાવતા હોય છે. પછી થોડો સમય સુધી આ યુવતીઓ સાથે રહીને ઘરમાં હાથ સાફ કરીને જતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો પાટણના રાધનપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં યુવકને લગ્નના અભરખા મોંઘા પડી ગયા હતા. યુવકે દલાલને 1.80 લાખ રુપિયા આપ્યા હતા અને મરાઠી યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા. લગ્ન કરીને જે દિવસે યુવતી રાધનપુરમાં (Radhanpur News) આવી એ જ રાત્રે પતિને બેભાન કરીને ઘરમાંથી રોકડ રુપિયા લઈને ફરાર (Bride run away with money) થઈ ગઈ હતી. આખરે, યુવકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાધનપરમાં વિઠ્ઠલનગરમાં રહેતો યુવક લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન યુવકનો સંપર્ક માલેગાવના એક દલાલ સાથે થયો હતો. યુવક સાથે લગ્ન માટે દલાલે વિવિધ છોકરીઓ તેને બતાવી હતી. જેમાંથી યુવકને નિશા મરાઠી નામની એક છોકરી પંસદ આવી હતી. એટલે દલાલે લગ્ન માટે આગળ વાત ચલાવી હતી. યુવકે લગ્ન માટે દલાલને રુપિયા 1.80 લાખ દલાલી આપી હતી.

બાદમાં યુવકે નિશા મરાઠી નામની છોકરી સાથે મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ પેપર લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુવક નિશા મરાઠીને રાધનપુર ખાતેના પોતાના નિવાસ સ્થાને લઈને આવ્યો હતો. આગળ શું થવાનું હતું એ વાત યુવક જાણતો નહોતો. યુવક પોતાની દુલ્હનને ગઈ 20 મેના રોજ રાધનપુર ખાતેના પોતાના નિવાસ સ્થાને લઈને આવ્યો હતો. રાત્રે ઘરે આવ્યા બાદ ભોજન કર્યું હતું અને સૂવાની તૈયારીઓ કરી હતી. જો કે, ચાલક અને લૂંટેરી દુલ્હને પોતાની યોજના પહેલેથી જ બનાવી રાખી હતી.

નિશા મરાઠીએ પહેલાં ચા બનાવી અને તેમાં ઘેનની દવા ભેળવી હતી. બાદમાં આ ચા તેના પતિને પીવડવાને બેભાન કરી નાખ્યો હતો. બાદમાં લૂંટેરી દુલ્હન નિશા મરાઠી ઘરમાંથી રુપિયા 25 હજાર રોકડા અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગઈ હતી. સવારે જ્યારે યુવકને ભાન આવ્યું ત્યારે નિશા ઘરમાં નહોતી. એટલે તેણે ઘર ચેક કર્યું ત્યારે નિશા મરાઠીનો કાંડ સામે આવ્યો હતો. આખરે, યુવકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *