ભાડા પર ઘણી વસ્તુઓ મળે છે, પરંતુ ન્યૂયોર્કની એક મહિલાએ ભાડા પર બોયફ્રેન્ડ માટે જાહેરાત આપી છે. જે સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર વાઈરલ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે બોયફ્રેન્ડ તેના માટે નહીં પરંતુ તેની સાસુ માટે જોઈએ છે. જાહેરાતમાં લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે. તે પણ માત્ર 2 દિવસ માટે. 2 દિવસ સુધી તેની સાસુનો નકલી બોયફ્રેન્ડ બનનાર વ્યક્તિને 72 હજાર રૂપિયા આપવામાં આવશે.
લગ્નમાં સામેલ થવા માટે જાહેરાત આપી
ન્યૂયોર્કની હડસન વેલીમાં રહેતી આ મહિલાએ ક્રેગલિસ્ટ દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં લખ્યું છે કે, તેને પોતાની 51 વર્ષની સાસુ માટે એક સાથીની જરૂર છે, જે તેમની સાથે લગ્ન અને ડિનરમાં સામેલ થઈ શકે છે. બે દિવસ સુધી તેની મારી સાસુ સાથે રહેવું પડશે, જેના માટે એક હજાર ડોલર એટલે કે 72 હજાર રૂપિયા મળશે.
કપલની જેમ નાટક કરવું પડશે
હકીકતમાં આ મહિલાને લગ્ન પ્રસંગમાં સામેલ થવાનું છે, જેના માટે તે પોતાની સાસુને પણ સાથે લઈ જવા માગે છે. તે ઈચ્છે છે કે આ વેડિંગ પાર્ટીમાં સાસુ પણ સુંદર કપડાંમાં એક કપલની જેમ દેખાય. જાહેરાતમાં લખ્યું છે કે, હું ઓગસ્ટમાં હડલન વેલીમાં લગ્ન માટે શુક્રવાર સાંજથી શનિવાર સાંજ સુધી પોતાની સાસુ માટે બોયફ્રેન્ડની શોધમાં છું. તેને બે દિવસ સુધી તેની સાસુની સાથે રહેવું પડશે અને તેનું ધ્યાન રાખવું પડશે.
જાહેરાતમાં ઉંમરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, સાસુ સફેદ રંગના કપડા પહેરશે. ભાડાના બોયફ્રેન્ડે તેમની સાથે કપલની જેમ દેખાવવાનું નાટક કરવાનું રહેશે. હે દિવસ સુધી આવું કરનાર વ્યક્તિને એક હજાર ડોલર મળશે. આ જાહેરાતમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ પ્રસંગ માટે મહિલાને એક એવા વ્યક્તિની જરૂર છે, જેની ઉંમર 40 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોય. તે સારો ડાન્સર હોય અને સારી રીતે વાત કરતા પણ આવડતી હોય.
રેડિટ પર જાહેરાત વાઈરલ થયા પછી યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું શાનદાર છે, જ્યારે એક યુઝરે તો એક વ્યક્તિની ભલામણ પણ કરી છે. એક મહિલાએ લખ્યું જ્યારે મેં આ જાહેરાત વાંચી તો મને તરત મારા પતિનો વિચાર આવ્યો. અન્ય એક યુઝર્રે લખ્યું કે, આ મુશ્કેલ છે પરંતુ ક્યારે ક્યારેક સારું પણ છે. આ એક યોગ્ય સોદો છે, ભોજન અને મુસાફરીની ચૂકવણી અલગથી મળી રહી છે, તેનાથી વધારે બીજું શું હોઈ શકે છે.