પ્રોટોકોલની પરવા કર્યા વિના PMએ રોકી કાર, ખેતરમાં ખાધા ચણા

nation

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમા સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી પ્રતિમાનું લોકાર્પણ અને ICRISAT નો કાર્યક્રમ સામેલ છે. PM મોદી શનિવારે લગભગ પોણા ત્રણ વાગ્યે હૈદરાબાદ પહોંચ્યા હતા.

અહીં ICRISATની સુવર્ણ જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા ત્યારે PM મોદીની નજર અચાનક ખેતરોમાં ઉગેલા પાક પર પડી. પીએમ મોદીએ પ્રોટોકોલની પરવા કર્યા વગર કાર રોકી અને ખેતરોમાં ગયા અને ખેતરમાં ચણા તોડીને ખાધા. પીએમએ થોડો સમય ખેતરોમાં વિતાવ્યો અને પછી નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધ્યા.

પીએમ મોદી હૈદરાબાદમાં લગભગ છ કલાક રોકાયા

PM મોદી શનિવારે લગભગ પોણા ત્રણ વાગ્યે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમનું અહીં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવે સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદી ICRISAT કેમ્પસ પહોંચ્યા હતા. તેમણે પાટનચેરુ ખાતે ICRISATની 50મી વર્ષગાંઠના સમારોહનું ઉદ્ઘાટન કર્યું. અહીંના ICRISAT કેમ્પસમાં પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે ICRISAT ના પ્લાન્ટ પ્રોટેક્શન પર ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ સેન્ટર અને ICRISATના સેન્ટર ફોર રેપિડ જનરેશન એડવાન્સમેન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. વડા પ્રધાન મોદીએ ICRISAT ના ખાસ ડિઝાઇન કરેલા લોગોનું પણ અનાવરણ કર્યું અને આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી.

ICRISAT પછી સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ઘાટન કર્યું

ICRISAT ની સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપ્યા પછી, PM મોદી લગભગ 5 વાગે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા. અહીં તેમણે પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું અને લોકોને સંબોધિત પણ કર્યા. 11મી સદીની ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં 216 ફૂટ ઊંચી સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની પ્રતિમા બનાવવામાં આવી છે.

શ્રી રામાનુજાચાર્યએ આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું. આ પ્રતિમા ‘પંચધાતુ’થી બનેલી છે, જે પાંચ ધાતુઓનું મિશ્રણ છે તેમા સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનો સમાવેશ થાય છે અને તે વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે જે બેઠક સ્થિતિમાં છે. તેની સ્થાપના 54-ફીટ ઊંચા આધાર ભવન પર કરવામાં આવી છે, જેને ‘ભદ્ર વેદી’ નામ આપવામાં આવ્યું છે. તેમા એક વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, એક શૈક્ષણિક ગેલેરી પણ છે, જે શ્રી રામાનુજાચાર્યના ઘણા કાર્યોની વિગતો રજૂ કરે છે. આ પ્રતિમાની કલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયાર સ્વામી દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *