પ્રેમિકાને 3 મહિના પોતાના ઘરે રાખ્યા બાદ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી

GUJARAT

રાજસ્થાનની યુવતી ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરવા માટે અમદાવાદ આવી હતી. પ્રેમીના ઘરે ત્રણ મહિના રોકાઇ હતી. યુવતીએ પ્રેમીને લગ્ન વિષે પૂછતા તેણે કહ્યું કે, હવે મારે લગ્ન નથી. બાદમાં પ્રેમી યુવતીને એકલી મૂકીને હૈદરાબાદ જતો રહ્યો હતો.

યુવતીને ભૂલ સમજાવતા તેણે ઘરે જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પરિવારજનો યુવતી સાથે વાત કરતા ન હતા. જેથી યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. 181ની ટીમે યુવતીના માતાપિતાનો સંપર્ક કરીને સમજાવતા તેઓ યુવતીને અપનાવવા તૈયાર થઇ ગયા હતા.

મેમ્કો વિસ્તારમાંથી એક યુવતીએ 181 અભયમ મહિલા ટીમને ફોન કરીને કહ્યું કે, મારે તમારી મદદની જરૂર છે પરંતુ મને અહીંયાનું પૂરૂ એડ્રેસ ખબર નથી. જેથી 181ની ટીમ અધૂરા એડ્રેસના સહારે યુવતી પાસે પહોંચી હતી. ગભરાયેલી યુવતીને ટીમે શાંતિથી સમજાવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ 181ની ટીમને કહ્યું કે, પોતે મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને તેને અમદાવાદના એક યુવક સાથે પ્રેમ થયો હતો.

જેથી તે ભાગીને અહીંયા આવી ગઇ હતી. બાદમાં તે પ્રેમી અને તેના પરિવાર સાથે રહેતી હતી. ત્રણ મહિના સુધી પ્રેમી લગ્ન કરવાનું વચન આપતો હતો. જ્યારે યુવતી લગ્ન વિષે વાત કરે તો પ્રેમી વાત બદલી દેતો હતો.

થોડા દિવસ પહેલા યુવતીને એકલી મૂકીને પ્રેમી તેના પરિવારને લઇને હૈદરાબાદ જતો રહ્યો હતો. યુવતીને પોતાના ઘરે જવું હતું પરંતુ તે ઘરેથી ભાગીને આવી હોવાથી પરિવાર તેની સાથે વાતચીત કરતો ન હતો. 181ની ટીમે યુવતીના માતાપિતાને ફોન કરીને સમજાવ્યા કે, તમારી દીકરીની ભૂલ થઇ છે તે ભૂલ સ્વીકારે છે તો તમે તેને અપનાવી લો. જેથી યુવતીને તેના માતાપિતા અપનાવવા તૈયાર થયા હતા.

Leave a Reply

Your email address will not be published.