અમદાવાદના સોલામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર ભૂવાની ધરપકડ જ થઈ છે, ત્યાં ગોમતીપુરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પરિણીતા પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગોમતીપુરમાં રહેતી 28 વર્ષીય હીના (નામ બદલેલ)ના લગ્ન અમદાવાદ જિલ્લામાં પિયુષ (નામ બદલેલ) સાથે થયા હતા. લગ્ન બાદ હિનાને દસ્ક્રોઇના પરિણીત મહેશ ભરવાડ સાથે પ્રેમ થયો હતો. મહેશ અવાર નવાર હીનાને મળવા બોલાવીને શારિરીક સંબંધ બાંધતો હતો. મહેશ હીનાને કહેતો કે, તું મને ગમે છે મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને છૂટાછેડા લેવા દબાણ કરતો હતો. જેથી હીનાએ મહેશની વાત માની લઇને પતિ પિયુષ સાથે છૂટાછેડા લીધા હતા.
જો કે બાદમાં હીના ગોમતીપુર ખાતે એક રૂમમાં તે એકલી રહેતી હતી. જ્યાં મહેશ આવીને હીના સાથે શારિરીક સંબંધ બાંધતો અને બન્ને અવાર નવાર ફરવા માટે બહાર જતા હતા. હીના જ્યારે લગ્નની વાત કરે, ત્યારે મહેશ ગલ્લા તલ્લા કરતો હતો. એક દિવસ હિનાએ લગ્ન કરવાની જીદ કરતા મહેશે મારઝૂડ કરીને ના પાડી દીધી હતી. આખરે કંટાળીને આ અંગે હીનાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીને પોતાને એક 8 વર્ષનો પુત્ર છે, જ્યારે ભોગ બનનાર મહિલાને 9 વર્ષની દીકરી છે. આરોપી પોતે પરિણીત હોવાથી પોતે પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાનો વાયદો યુવતીને કરતો હતો અને 7 વર્ષ સુધી પોતાની હવસ સંતોષતો રહ્યો.
આ માટે અમદાવાદમાં અલગ અલગ હોટલોમાં લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચરી અંતે તેને તરછોડી દીધી હતી. મહત્વનું છે કે, પ્રેમ પ્રકરણમાં બંધાયેલા આ સંબંધમાં યુવતીએ પોતાનાં પતિને છોડ્યો અને પ્રેમીએ પણ ન સાથ આપતા તે નિરાધાર બની છે.