પ્રખ્યાત અભિનેત્રીની પર્સ ચોરી કરવાના આરોપમાં ધરપકડ થતા ચકચાર

Uncategorized

કોલકાતામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે અભિનેત્રી રૂપા દત્તાની કોલકાતા પુસ્તક મેળાના સ્થળે ધ્યાન ભટકાવીને ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. બિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ઘણી ટીવી સિરિયલોમાં અભિનય કરનાર દત્તા જ્યારે કચરાના ડબ્બામાં પર્સ ફેંકી રહી હતી ત્યારે એક પોલીસકર્મી તેને જોઈ ગયો અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી.

અભિનેત્રીના પર્સમાંથી મોટી રકમ મળી આવી

અધિકારીના જણાવ્યા મુજબ, દત્તાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનોમાં અનેક વિરોધાભાસો જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન અભિનેત્રીના પર્સમાંથી અનેક પાકીટ અને રૂ. 75,000 રોકડા મળી આવ્યા હતા.દત્તાની “કેપમારી’ (ધ્યાન ભટકાવીને ચોરી કરવી)ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં અન્ય કોઇ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

તપાસ દરમિયાન થયા અનેક ખુલાસા

દત્તા અગાઉ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીના ખોટા આરોપો લગાવવાને કારણે વિવાદમાં રહી હતી. તેણે અન્ય વ્યક્તિ સાથેની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેનું નામ અનુરાગ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપા દત્તાની પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની તલાશી લેતા તેની બેગમાંથી અનેક પાકીટ મળી આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન રૂપા દત્તાએ જણાવ્યું કે તે ઘણા મેળાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી ચૂકી છે. આ સ્થળોએ પણ તેણે ઘણા લોકોના પર્સ ચોર્યા હતા. રૂપા દત્તાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અનુસાર, તેણે ટીવી સીરિયલ ‘જય મા વૈષ્ણો દેવી’માં માતા વૈષ્ણો દેવીની ભૂમિકા ભજવી છે.

અનુરાગ કશ્યપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા

આ પહેલા રૂપા દત્તાએ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. રૂપા દત્તાએ તેના આરોપો અંગે ટ્વિટર પર ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. રૂપા દત્તા પોતાને એક લેખક, દિગ્દર્શક અને સામાજિક કાર્યકર્તા પણ ગણાવે છે.

Leave a Reply

Your email address will not be published.