પોરબંદરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરથી 8 કિમી દૂર દેગામ નજીક ઈનોવા કારના ચાલકે પોતાનું વાહન બેફામ ગતિએ હંકારી બે બાળકોને હડફેટમાં લીધા હતા. જેમાં બન્ને બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અકસ્માત બાદ કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દેગામ હાઈવે પર ઈનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તેથી પસાર થઈ રહેલા બે બાળકોને અડફેટમાં લઈ લીધા હતા. જેમાં મીત ગોહેલ (3 વર્ષ) અને આરતી ગોહેલ (14 વર્ષ)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
બે બાળકોને ટક્કર માર્યા બાદ પણ બેકાબૂ કાર નજીકમાં આવેકા ખેતરની દીવાલ સાથે અથડાઈ હતી. જે બાદ કાર ચાલક પોતાનું વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતની જાણ થતાં પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.