વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ જ્યાં વિત્યું તે વડનગરની બ્રાહ્મણશેરીના વડાપ્રધાનના મકાનની પાછળના ભાગમાં આવેલ ગલીમાંથી પુરાતત્વ વિભાગને ઈંટોથી બનેલી એક શેરી મળી છે. જે ગલી સોલંકી કાળથી પણ જુની હોવાના પુરાવા મળ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં હાલના વડાપ્રધાન તેમના બાળપણમાં રમતા હતા.
આ બાબતે પુરાતત્વ વિભાગનું એવું માનવું છે કે હાલ જે ખોદકામ થયું તે પ્રમાણેે નીચે હજુ અનેક રહસ્યો છુપાયેલા છે. એવું લાગી રહ્યું છે કે આ ગલી 10મી સદી કરતા પણ વધુ જુની છે. આમ વડનગરના બ્રાહ્મણશેરીમાં મળેલી સફળતા બાદ આ અંગે વડાપ્રધાનને પણ જાણ કરવામાં આવી હતી. હાલ વડનગરમાં ચાર જગ્યાએ પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન ચાલી રહ્યું છે. જેમાંથી વડનગરના પેટાળમાં ઘરબાયેલા પ્રાચીન ઇતિહાસને ઉજાગર કરી શકાશે.
કેન્દ્રના પુરાતત્વ વિભાગને વર્ષ 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન બનેલા વડનગરના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પોતાના માદરે વતનની ભૂમિમાં ઘરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું. જે આદેશ બાદમાં વર્ષ 2015માં ખોદકામ શરૃ કરવામાં આવ્યું હતું.
આ અંગે પુરાતત્ત્વ અધિકારી અભીજીત આંબેડકરે સંદેશને જણાવ્યું હતું કે પુરાતત્ત્વ વિભાગે વડા પ્રધાનની સૂચનાને આધારે સૌથી પહેલા આખા વડનગરનો અભ્યાસ કર્યો હતો. બાદમાં એવું નક્કી કર્યું હતું કે, બ્રાહ્મણશેરી, અંબાઘાટ, શર્મિષ્ઠા તળાવ અને વાલ્મીયોના મહાડ પાસે ખોદકામ કરવું. પુરાતત્વ ખાતાનો આ નિર્ણય સફળ રહ્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મકાનમાં રહેતાં હતા તે બ્રાહ્મણશેરીમાં જ્યારે ઉત્ખનન ચાલુ કર્યું ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી કે આ વિસ્તાર સદીઓ પુરાણો છે.
બાદમાં જ્યારે ખોદકામ ચાલુ કર્યું તો વડાપ્રધાનના ઘરની પાછળની દિવાલને અડીને એક ઐતિહાસિક ગલી મળી આવી હતી. જે સોલંકી કાળથી પણ જુની હોવાના પુરાવા મળ્યા હતા. બધાના આશ્ચર્યની વચ્ચે અહી નીચે હજુ ખોદકામ થાય તેમ છે જેથી અમને એવું લાગી રહ્યું છે કે ૧૦મી સદી કરતાં પણ આ ગલી જુની છે. જો કે હાલ કશું કહી શકાય નહિ કારણ કે અમારૃ કામ ચાલી રહ્યું છે.
આમ બ્રાહ્મણ શેરી સદીઓ જુની ઐતિહાસિક શેરી હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન તેમના નાનપણમાં આજ ગલીમાં રમતા હતા ત્યારે તેમની માતાએ ઘરના કામો કરી તેમને મોટા કર્યા હતા. આજે પણ આ મકાન સાથે તેમની અનેક યાદો જોડાયેલી છે.
સોલંકી કાળમાં ટીપી સ્કીમ બદલાઈ
પુરાતત્વ વિભાગનું એવું માનવું છે કે સોલંકી કાળમાં અહી રસ્તાઓ હશે પણ ત્યારે ટીપી સ્કીમ બદલાઈ હશે અને રસ્તાઓ ઉપર મકાનો બન્યા હશે. જો ત્યારે ટીપી સ્કીમ ન બદલાઈ હોત તો કદાચ આ ગલી આજે પણ હયાત હોત તેવું તંત્ર માની રહ્યું છે. જેના પુરાવા ખોદકામ દરમિયાન મળી આવ્યા છે.
સદીઓ જૂના ઈંટોના અદ્ભુત રસ્તાઓ હજુ અણનમ છે
હાલની નગરપાલિકાઓ દ્વારા બનાવેલા રસ્તાઓ ૬ માસમાં તુટી જાય છે. જ્યારે તે સમયે બનેલા ઈંટાના રસ્તાઓ અદ્ભુત હતા.આજે પણ આ રસ્તાઓ અકબંધ છે. ઈંટોને એવી રીતે ગોઠવાઈ છે કે તેમાં જે તે સમયની ઉત્કૃષ્ઠ કામગીરીના દર્શન થાય છે જેને કારણે સદીઓ પછી પણ ભૂગર્ભમાં મળી આવેલા આ રસ્તાઓ હજુ પણ અણનમ છે.
250 લોકો દ્વારા થતું ઉત્ખનન
વડનગરમાં હાલ ૨૫૦ લોકો દ્વારા ચાર જગ્યાએ ઉત્ખનન થઈ રહ્યું છે. જેમાં મજુરોથી માંડી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.સ્થાનિકોને પણ રોજગારી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. અલગ અલગ પ્રાંતના છાત્રો અહી રહે છે.
પશ્વિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ, પંજાબ જેવા અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા અહી ઉત્ખનન થઈ રહ્યું છે. બધા જ વિદ્યાર્થીઓ સરકારી વસાહતમાં કેમ્પ બાંધીને રહે છે.