પાવાગઢ સહિત આ 5 મંદિર છે જાગૃત, દર્શન કરવાથી જ ઈચ્છા થઈ જાય છે પૂરી

DHARMIK

આપણાં દેશમાં એક પણ એવું સ્થળ નહીં હોય જ્યાં ભગવાનનું મંદિર ન હોય. નાનામાં નાનું ગામડું હોય તો ત્યાં પણ ભગવાનના મંદિર તો હોય જ છે. ભારતમાં અલગ અલગ ધર્મ અને જાતિના લોકો રહે છે અને તેમની સાથે તેમના ભગવાનનો પણ વાસ હોય છે. આપણી આસપાસ દરેક વિસ્તારમાં હજારો મંદિરો આવેલા છે. દરેક મંદિરની કોઈને કોઈ ખાસિયત પણ હોય છે. કેટલાક મંદિરો તેના ચમત્કારોના કારણે પણ પ્રખ્યાત થયા છે. આવા જ પાંચ ચમત્કારી મંદિર વિશે આજે તમને જણાવીએ. આ પાંચ મંદિર ચમત્કારી એટલા માટે છે કે તેના દર્શન કરવા માત્રથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. આવા જાગૃત મંદિરોમાંથી એક ગુજરાતમાં આવેલું છે.

પૂર્ણાગિરિ મંદિર
સિદ્ધ સ્થાનકોમાંથી એક છે પૂર્ણાગિરિ મંદિર, આ મંદિર નેપાળની સરહદ પર આવેલા ટનકપુરથી 21 કિમી દૂર આવેલું છે. માનવામાં આવે છે કે પૂર્ણાગિરિ શક્તિપીઠ ખાતે સતી પાર્વતીની નાભિ પડી હતી. આ સ્થળ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં આવે છે. આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં દર્શન કરનાર ભક્તના જીવનના દુ:ખ દૂર થઈ જાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે.

દેવીધુરા મંદિર
ઉત્તરાખંડમાં જ આવેલું દેવીધુરા મંદિર પણ 52 શક્તિપીઠમાંથી એક છે. મુખ્ય મંદિરમાં તાંબાની એક પેટીમાં માં બારાહી દેવીની મૂર્તિ સ્થાપિત છે. પરંતુ આ મૂર્તિના દર્શન આજ સુધી કોઈ કરી શક્યું નથી. વર્ષમાં માત્ર ભાદરવા માસની કૃષ્ણ પ્રતિપદા પર આ પેટીને ખોલી માતાની મૂર્તિને સ્નાન કરાવી શ્રૃંગાર કરવામાં આવે છે. આ સમયે પંડિતો પોતાની આંખ પર પટ્ટી બાંધી રાખે છે. કારણ છે કે માતાની મૂર્તિમાં એટલું તેજ હોય છે જે નરી આંખે સહન ન કરી શકાય.

પાવાગઢ
ગુજરાતમાં આવેલું પાવાગઢનું મહાકાળી મંદિર પણ એક શક્તિપીઠ છે. અહીં પણ માતા જાગૃત અવસ્થામાં બિરાજે છે. અહીં દર્શને આવનાર દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે તેવી માન્યતા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીં પગપાળા ચાલીને આવે છે અને માતાના દર્શનનો લાભ લે છે.

હિંગળાજ મંદિર, બલુચિસ્તાન
પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાનમાં પહાડોની મધ્યમાં માતા હિંગળાજ બિરાજે છે. આ મંદિરમાં પણ દેવીનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. હિંગળાજ મંદિર ચમત્કારી હોવાનું પણ ભક્તો માને છે. જે પણ ભક્ત માતાના દર્શનની માનતા રાખે છે તેના મનની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ મંદિરની સાર-સંભાળ મુસ્લિમ બિરાદરો જ રાખે છે.

જગન્નાથ મંદિર
પુરીમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર પણ પ્રખ્યાત મંદિર છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ ધામ ધરતી પરનું સ્વર્ગ હોવાનું માનવામાં આવે છે. અહીં દર્શન કરવા પહોંચેલા ભક્તની દરેક મનોકામના ભગવાન અચૂક પૂરી કરે છે. અહીં ભગવાન સાક્ષાત બિરાજતા હોવાની માન્યતા છે.

Leave a Reply

Your email address will not be published.