પરિણીત અને દોઢ વર્ષની પુત્રીના પિતાએ પાંડેસરાની ઇન્ટીરિયર ડિઝાઇનર યુવતીને પોતે કુંવારો હોવાનું જણાવી ફસાવી હતી. યૌનશોષણને પગલે યુવતી ગર્ભવતી બની જતાં દવા પીવડાવી ગર્ભપાત કરાવવાની પણ કોશિશ કરતાં મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ઇન્ટીરિયર ડિઝાઇનની ઓફિસ ધરાવતી 26 વર્ષીય યુવતીને ગત જુલાઇ-20માં એસ.બી.આઇ. બેન્કની બમરોલી શાખામાંથી ફોન આવ્યો હતો અને ક્રેડિટ કાર્ડની ઓફર કરવામાં આવી હતી. અહીં તેને હેમચંદ્ર રતનલાલ દાયમા (ઉં.વ. 29) મળ્યો હતો. ક્રેડિટ કાર્ડની પ્રોસિજર સારી રીતે પૂરી કરી આપ્યા બાદ હેમચંદ્રનો અવારનવાર ફોન તથા મેસેજીસ આવતા રહેતા હતા. બંનેની મુલાકાતો પણ થતી રહેતી હતી.
આ યુવાને પોતે કુંવારો હોવાનું જણાવી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રેમ નહિ સ્વીકારે તો આપઘાત કરવાની ધમકી આપી ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરી સંબંધ આગળ વિકસાવ્યા હતા. આ યુવાનના ઘરે કોણ છે તે જાણવા યુવતી જ્યારે તેના ઘરે ગઇ હતી ત્યારે પાણી આપીને ગયેલી પત્ની ગયા બાદ તે પોતાની બહેન હોવાનું અને ઘરમાં રમી રહેલી પોતાની દોઢ વર્ષીય પુત્રીને બહેનની પુત્રી ગણાવી હતી.
પેટીએમ પ્રોફાઇલમાં ફોટો જોઇ જતાં ભાંડો ફૂટયો
હેમચંદ્ર યુવતીનું યૌનશોષણ કરવા માટે ડુમસની મીરા હોટેલમાં લઇ જતો. એક વખત પેટીએમથી પેમેન્ટ કરતી વખતે એકાઉન્ટ પ્રોફાઇલમાં હેમચંદ્રએ જેની બહેન અને ભાણી તરીકે ઓળખ કરાવી હતી તેનો ફોટો જોઇ જતા શંકા ગઇ હતી. તપાસ કરતાં તે તેની પત્ની અને પુત્રી હોવાનું જણાઇ આવ્યું હતું. દરમિયાન યૌનશોષણને કારણે ગર્ભ રહી જતાં હેમચંદ્રએ મેડિકલમાંથી ગર્ભપાતની દવા લાવી એક ગોળી બળજબરી પીવડાવી દીધાના આક્ષેપ સાથે નોંધાયેલા ગુનાની સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. મૌર્યએ તપાસ હાથ ધરવાની સાથે આરોપીની ધરપકડ પણ કરી છે.