અમદાવાદમાં પત્નીએ બીજા લગ્ન કરતાં પહેલો પતિ વિફર્યો, બે મિત્રો સાથે મળી ઘરમાં ઘૂસી કરી કરપીણ હત્યા

GUJARAT

અમદાવાદના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા. અને ત્યારથી તેની સાથે રહેતી હતી. બુધવારે રાતના સમયે હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી.

જો કે આ સમગ્ર ઘટના પાડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી મહેશ ઠાકોરે આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલતાં વટવા પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિની અટકાયત કરી છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *