પત્ની પર શંકા કરતા પતિએ જ મહિલાના નામે પાડોશીને મેસેજ કર્યા, અફેરની વાતો વહેતી થઈ

GUJARAT

માત્ર 18 વર્ષની પત્નીને પાડોશી સાથે આડાસંબંધો તો નથી ને. તે જાણવા શંકાશીલ પતિએ પત્નીના નામે પાડોશીને મેસેજો મોકલ્યા હતા. જેથી પાડોશીએ પરિણીતા સાથે અફેરની વાત ગામમાં વહેતી કરી દેતા તે આ બાબતથી અજાણ હોવા છતાં પત્નીને તારે આડાસંબંધો છે તુ મારે ના જોઈએ, કહી રાત્રે પતિ પત્નીને અભયમમાં મુકવા આવ્યો હતો.

ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી 18 વર્ષીય પરિણીતાને લઈને તેનો પતિ અને સાસરીયા ગતરોજ રાત્રીના સુમારે નડિયાદ અભયમ સેન્ટર પર આવ્યા હતા. જ્યાં પરિણીતાને પાડોશી સાથે આડાસંબંધ હોવાથી અમારે નથી જોઈતી કહેતા નડિયાદ અભયમના રીટાબેન ભગતે સમગ્ર બાબતે પુછતાછ કરી હતી. જેમાં પતિએ જણાવ્યું હતું કે પાડોશીએ આખા ગામમાં પરિણીતા સાથે અફેર હોવાની વાતો કરી છે, આ ઉપરાંત મોબાઈલમાં પણ પત્નીએ મેસેજ અને ફોટા મોકલ્યા હોવાનો પુરાવો છે.

જ્યારે પત્નીએ પોતે સમગ્ર બાબતથી અજાણ હોવાનું જણાવતા અભયમે કડક પુછતાછ હાથ ધરી હતી. આખરે પતિએ કબુલ્યું હતું કે તેણેજ મોબાઈલથી પાડોશીને મેસેજ કર્યા હતા. જેથી પાડોશીએ પણ મેસેજના જવાબ આપ્યા હતા. રોજ મેસેજ-ફોટાની આપલે થતી હોવાથી પાડોશીએ પરિણીતાને પોતાની સાથે અફેર હોવાની વાત ગામમાં કરી હતી. શંકાશીલ પતિની કરતૂતને કારણે મહિલાનું લગ્નજીવન ભંગાણે આવતા આવતા બચ્યું હતું.

એક યુવકની મજા લેવા પત્નીના નામે મેસેજ મોકલ્યા

ખાણીપીણીની લારી ધરાવતા ઈસમ સાથે મજાક કરવા પતિએ તેના મિત્ર સાથે મળી પરિણીતાના નામે મેસેજ મોકલ્યા હતા. થોડા દિવસ બાદ તે ઈસમને પોતે જ પરિણીતા બનીને તેની સાથે મજાક કરતાં હોવાનું જણાવ્યું હતું. વારંવાર પરિણીતાના નામે બીજાને મેસેજો મોકલી પરિણીતાને બદનામ કરનાર ત્રણેય ઈસમોને અભયમે કડકાઈ દાખવી, કાયદાનો પાઠ ભણાવી, પરિણીતાને બદનક્ષીની ફરિયાદ નોંધાવવા સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.