પતિ સાથે પાકિસ્તાન ગયેલી મહિલાએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા

GUJARAT

શ્રી ગુરુ નાનકદેવજીના પ્રકાશપર્વ ઉપર પાકિસ્તાન ગયેલા યાત્રાળુઓના જૂથ સાથેની કોલકાતાની એક મહિલાએ પાકિસ્તાનમાં પોતાના પ્રેમી સાથે નિકાહ કરી લીધા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મહિલાએ પોતાના ભારતીય પતિની અનુમતિ સાથે પોલીસની હાજરીમાં લાહોરની એક મસ્જિદમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા હતાં.

24 નવેમ્બરે લાહોરમાં લગ્ન કર્યા

આ અગાઉ તેણે ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો હતો. નોંધનીય છે કે આ મહિલા, તેનો પતિ અને તેનો પ્રેમી ત્રણે મૂકબધિર છે. જો કે લગ્ન પછી પાકિસ્તાન સરકાર દ્વારા ત્યાં રહેવાની મંજૂરી ના મળતા મહિલા પોતાના ભારતીય પતિ સાથે વાઘા અટારી સરહદના માર્ગે કોલકાતા પાછી ફરી છે. અહેવાલો અનુસાર આ મહિલા 23 નવેમ્બરે યાત્રાળુઓ સાથે લાહોર પહોંચી ગઈ હતી ત્યાં મોહમ્મદ ઇમરાન નામનો તેનો પ્રેમી રાહ જોતો હતો. બન્નેએ દસ્તાવેજ તૈયાર કરાવ્યા અને 24 નવેમ્બરે લાહોરમાં લગ્ન કર્યા હતાં, લગ્ન બાદ તેનું નામ પરવિન સુલતાના રખાયું હતું.

ભારતમાંથી પાકિસ્તાનના વિઝા માટે અરજી કરશે

લગ્ન બાદ મહિલા અને તેના નવા પતિએ લાહોરની અદાલતમાં અપીલ દાખલ કરીને મહિલાને પાકિસ્તાનમાં રહેવાની મંજૂરી માંગી હતી. જો કે કોર્ટે આ વિનંતી ફગાવી દેતાં મહિલાએ ભારત પરત ફરવું પડયું છે. જો કે હવે તે ભારતમાંથી પાકિસ્તાનના વિઝા માટે અરજી કરવાનું આયોજન કરે છે.

બે વર્ષથી સોશિયલ મીડિયા પર ચેટિંગ ચાલતું હતું

અહેવાલો અનુસાર કોલકાતાની આ મહિલા બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા ઉપર ઇમરાનના સંપર્કમાં આવી હતી. બન્ને ચેટિંગ કરવા લાગ્યા અને પછી બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો. તે પછી તે પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી. આખરે 17 નવેમ્બરે યાત્રાળુઓના જૂથ સાથે પાકિસ્તાન પહોંચવામાં સફળ રહી હતી. જો કે, આ કોઇ પ્રથમ બનાવ નથી કે જેમાં ભારતીય મહિલાએ પાકિસ્તાની યુવક સાથે લગ્ન કરી લીધા હોય. આ પહેલા પણ ઘણી યુવતીઓએ પાકિસ્તાની યુવકો સાથે લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *